Rajkot: SGVP ઈન્ટરનેશનલ સ્કૂલની બસનો ડ્રાઈવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં પકડાયો, વિદ્યાર્થીઓને ગાળો ભાંડતા વાલીઓએ ફટકાર્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 16 Sep 2024 05:38 PM (IST)Updated: Mon, 16 Sep 2024 05:38 PM (IST)
rajkot-news-sgvp-international-school-driver-caught-drunk

Rajkot: શહેરના રીબડા નજીક આવેલ SGVP ઈન્ટરનેશનલ સ્કૂલની બસનો ડ્રાઈવર દારૂના નશામાં ધૂત હાલતમાં ઝડપાયો હતો. આટલું જ નહીં, નસેડી ડ્રાઈવરે સ્કૂલના વિદ્યાર્થીઓને તમાકું ઑફર કરતો હોવાની પણ ફરિયાદ ઉઠી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના કોઠારીયા વિસ્તારમાં વિદ્યાર્થીઓને લેવા ગયેલ SGVP ઈન્ટરનેશનલ સ્કૂલ બસનો ડ્રાઈવર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. નશામાં ધૂત ડ્રાઈવર જોખમી રીતે સ્કૂલ બસ હંકારતો હોવાનું ધ્યાને આવતા વાલીઓ એકઠા થઈ ગયા હતા અને બસને અટકાવી હતી. જે બાદ ડ્રાઈવરને ઉતારીને ચકાસતા તે નશામાં ધૂત હોવાનું ધ્યાને આવ્યું હતુ. આખરે ઉપસ્થિત વાલીઓએ સૌ પ્રથમ ડ્રાઈવરને મેથીપાક ચખાડ્યો હતો. જે બાદ સ્કૂલના સંચાલકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા.

વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, ડ્રાઈવર બસમાં પણ બાટલી કાઢીને દારૂ પી રહ્યો હતો. તે એટલો નશામાં ધૂત હતો કે, બસમાં પણ લથડિયા ખાઈ રહ્યો હતો. તેમજ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરવા સાથે તેમને તમાકું ખાવાની ઓફર કરતો હતો.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્કૂલ સંચાલકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પણ સ્વીકાર્યું હતું કે, ડ્રાઈવર નશાની હાલતમાં છે. જેથી તેને તાત્કાલિક સસ્પેન્ડ કર્યો હતો. આખરે પોલીસને જાણ કરવામાં આવતા ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી હતી. બીજી બાજુ આજે ઈદની રજા હોવા છતાં સ્કૂલ કેમ ચાલું હતૂ? તેને લઈને પણ સવાલ ઉઠ્યા છે.