Dahod: દાહોદ પોલીસની ટીમે અત્યાધુનિક ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને મંદિરમાં ચોરી કરીને ગાઢ જંગલમાં નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને દાહોદ પોલીસની ટીમના વખાણ કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત મોડી રાતે દાહોદ જિલ્લાના ઝાલોદ સ્થિત લુહાર ફળિયામાં આવેલા સોમનાથ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. તેઓ મંદિરનું તાળું તોડી રહ્યા હતા, ત્યારે સ્થાનિકોએ બૂમાબૂમ કરતાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ખાસ વાત એ છે કે, આ તસ્કર ચોરી કરવા આવે ત્યારે પોતાની સાથે ઈંટો અને પથ્થરો લઈને આવતો હતો. જેથી ચોરી કરતાં પકડાય તો લોકો તેમજ પોલીસથી બચવા માટે પથ્થરમારો કરીને ભાગી છૂટે.
આ મામલે જાણ કરતાં નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાંથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઈને નજીકમાં આવેલા ગાઢ જંગલમાં નાસી છૂટ્યા હતા.
Excellent Work by Dahod SP & Team!
— Harsh Sanghavi (@sanghaviharsh) September 16, 2024
Have you ever thought? Tribal District Police using thermal image night vision drones to crack cases, setting new standards for rural policing!
Yesterday, a temple thief fled into a dense forest, but DSP Dahod & team didn't let him escape!… pic.twitter.com/16YyjkC2o7
જેથી દાહોદ DSP અને તેમની ટીમે ચોરને ભાગવા દીધો નહતો. ગાઢ જંગલમાં ભાગી છૂટેલા તસ્કરોને ઝડપી પાડવા માટે થર્મલ ઈમેજ નાઈટ વિઝન ડ્રોન તૈનાત કર્યા. અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી પોલીસે ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી. આ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ પોલીસના વખાણ કરતાં કહ્યું કે, DSP દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું.
પોલીસની પૂછપરછમાં આરોપીની ઓળખ ઠાકુરભાઈ રોતાલા (રહે. મધ્ય પ્રદેશ) તરીકે થઈ છે. જે ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને ભૂતકાળમાં 70 જેટલી ઘરફોડ ચોરીઓમાં સામેલ છે. આટલું જ નહીં, અગાઉ તે કર્ણાટક પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે અને 8 વર્ષની જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે.
