Rajkot: જૂની કલેક્ટર કચેરીમાં સતત બીજા દિવસે સર્વરના ધાંધિયા, વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેલા અરજદારોને 12 વાગ્યા સુધી ટોકન ના મળતા હોબાળો

અરજદારોનો રોષ જોઈને પોલીસ બોલાવવી પડી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 25 Sep 2024 05:41 PM (IST)Updated: Wed, 25 Sep 2024 05:41 PM (IST)
rajkot-news-server-down-on-second-day-at-collector-office

Rajkot: શહેરની જૂની કલેક્ટર કચેરીમાં હવે સર્વર ડાઉનના ધાંધિયા રોજેરોજના થઈ જતાં અરજદારોને પારાવાર હાલાકી ભોગવતા હોવાની ફરિયાદ ઉઠી છે. ખાસ કરીને રાશન કાર્ડમાં વિદ્યાર્થીઓના નામ ઉમેરવા, કોઈ પરિવારજનનું નામ કમી કરાવવાની કાર્યવાહી ખોરંભાઈ ગઈ છે.

અરજદારોનો આક્ષેપ છે કે, વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવા છતાં બપોર સુધી વહીવટી તંત્ર દ્વારા ટોકન આપવામાં નથી આવતા. અરજદારોના રોષને જોતા પોલીસ બોલાવી લેવામાં આવી હતી.

અરજદારોની ફરિયાદ છે કે, છેલ્લા બે દિવસથી જૂની કલેકટર ખાતે આવેલ રાશન કાર્ડમાં નામ ઉમેરવું, નામ કમી કરવું રાશન કાર્ડમાં વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ લિંક કરવો તેમ જ રેશન કાર્ડમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટેડ બોર્ડ સહિતના મુદ્દે જૂની કલેકટર ઓફિસે વાલીઓ વિદ્યાર્થીઓ સાથે આવી રહ્યા છે, પરંતુ નિરાશ થઈને જઈ રહ્યા .

જૂની કલેકટર કચેરીએ રાશનકાર્ડને લગતી તમામ કામગીરી સર્વર ડાઉન હોવાના કારણે બંધ હતી . જો કે આજે સર્વર શરૂ થતા વહેલી સવારે 6:00 વાગ્યાથી જ લોકો લાંબી લાઈનમાં ગોઠવાઇ ગયા હતાં.

વાલીઓએ જણાવ્યું કે, વહેલી સવારે 6:00 વાગ્યાથી લાઈનમાં ઊભા છે. નોકરી ધંધામાં રજા પાડી તેમજ વિદ્યાર્થીઓનું ભણતર ખોટી કરી અમે અમારા બાળકોને સાથે લઈને આવ્યા છે. જો કે અધિકારીઓએ બપોરે 12:00 વાગ્યા સુધી પણ કોઈને પણ ટોકન આપ્યા ન હતા. તેમના કારણે આજે પણ લોકોમાં રોષ દેખાયો હતો. આજે પણ પ્રાનગર પોલીસને બોલાવવાની ફરજ પડી હતી પોલીસ આવ્યા બાદ ટોકનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.