Rajkot: અમદાવાદ ખાતે એક શિક્ષક પર તિક્ષ્ણ હથિયાર વડે થયેલા હુમલાના મામલે રાજ્યભરમાં શિક્ષક આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
અમદાવાદમાં બનેલી શિક્ષક પર હુમલાની ઘટનાને પગલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
મંડળે જણાવ્યું હતું કે, શિક્ષકો અને શાળાના અન્ય સ્ટાફની સલામતી સુનિશ્ચિત કરવી અત્યંત આવશ્યક છે. વર્તમાન પરિસ્થિતિમાં શાળાઓને 'સોફ્ટ કોર્નર તરીકે જોવામાં આવે છે, જેના કારણે આવા હુમલાઓની ઘટનાઓ બનતી રહે છે. આથી સરકાર દ્વારા શિક્ષકો અને શાળાના સ્ટાફની સુરક્ષા માટે ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ ગંભીર ઘટનાના વિરોધમાં સમગ્ર ગુજરાત ભરના જિલ્લાઓમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શિક્ષકો અને શાળા સંચાલકોએ એકસૂત્રતા દાખવીને સરકાર સમક્ષ શિક્ષકોની સલામતી માટે કડક કાયદા બનાવવાની અપીલ કરી હતી. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંસ્થાઓમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ જાળવી રાખવાનો હતો, જેથી શિક્ષકો ભયમુક્ત વાતાવરણમાં શિક્ષણ કાર્ય કરાવી શકે.
રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
