નરેન્દ્ર આહીર, રાજકોટ: રાજકોટમાં આવેલા સરધાર ગામે રહેતા અને ખેતીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય પ્રોઢ હરીભાઈ રાજાભાઈ જાદવનું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ખેડૂત હરીભાઈ બાળપર ગામે આવેલી તેમની વાડીએ ગયા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા, તેમના બંને પુત્રો મયુર અને શૈલેષ વાડીએ તપાસ કરવા પહોંચ્યા હતા. ત્યાં જઈને જોતાં પિતા હરીભાઈ વાડીમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.
ખેડૂતનું રહસ્યમય સંજોગોમાં મોત થયું
પરિવારે બેભાન ખેડૂતને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ આજીડેમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મોતનું સાચું કારણ જાણવા માટે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક હરીભાઈને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરીઓ છે. આ સમગ્ર બનાવ અંગે પુત્ર મયુરે પિતાના મોત અંગે પોલીસ સમક્ષ અત્યંત ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.
મૃતકના પુત્રે ગંભીર આક્ષેપો કર્યા
મૃતકના પુત્રે જણાવ્યું કે, રવજી ગોબર સોઢા (રહે હરીપર), નરેશ લાખા સોઢા ( રહે બાળપર) તેના પિતા હરીભાઈના મિત્રો હતા. તેમણે અન્ય સાગરીતો સાથે મળીને પિતાને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો હતો. આરોપીઓએ હરીભાઈને વાડીએ નગ્ન કરી, વાંધાજનક ફોટા અને વીડિયો પાડી લીધા હતા. આ ફોટા-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને અગાઉ 20,000 રૂપિયા પડાવી લીધા હતા. તેમજ આરોપીઓએ વારંવાર ધમકી આપીને નાણાની માંગણી કરી હતી.
'પિતાને શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા મજબૂર'-પુત્રનો ગંભીર આક્ષેપ
પુત્રે વધુમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, પિતા જ્યારે રાત્રિના સમયે વાડીએ પાણી વાળવા જતાં ત્યારે આરોપીઓ ત્યાં આવીને તેમની સાથે મારપીટ કરતા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીઓએ પિતા હરીભાઈને વાડીએ બોલાવી, ડરાવી-ધમકાવીને શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા મજબૂર કર્યા. આરોપીઓએ આ ઘૃણાસ્પદ કૃત્યનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરી લીધો હતો. નબળી આર્થિક સ્થિતિ અને બદનામીના ડરથી પરેશાન ખેડૂતે પુત્રને કહ્યું કે, આપણે વાડી વેચીને પૈસા તેમને આપી દઈએ. જેથી આ ત્રાસમાંથી મુક્તિ મળે.
પોલીસે ખેડૂતના આપઘાત મામલે તપાસ શરુ
રાત્રિના સમયે આરોપીઓએ ફોન કરીને ચા-પાણી પીવાના બહાને હરીભાઈને વાડીએ બોલાવ્યા હતા. જેથી તેઓ પોતાનો મોબાઈલ ઘરે જ મૂકીને વાડીએ ગયા હતા અને પછી જીવતા પાછા ફર્યા નહોતા. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આજીડેમ પોલીસ સ્ટેશનના PI એચ.એન.પટેલ તેમજ D સ્ટાફનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે હાલ પૂરતો ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ શરુ કરી દીધી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, "હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ ઘટના સ્યુસાઇડની છે કે પછી કોઈ ષડયંત્રના ભાગરુપે હત્યા કરવામાં આવી છે. તે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે."
મૃતકની સ્યુસાઇડ નોટમાં ખુલ્યું રહસ્ય
મૃતક હરિભાઈએ મોત વહાલું કરતા પહેલા લખેલી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં તેમણે પોતાની આપવીતી વર્ણવતા ગંભીર આક્ષેપો કર્યા છે. સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, "મને રવજી અને નરેશ અવારનવાર ખૂબ જ હેરાન પરેશાન કરે છે. તેઓ રાત્રિના સમયે ચા-પાણી પીવાના બહાને વાડીએ બોલાવી, મને નગ્ન કરી, શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવી વીડિયો રેકોર્ડ કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને પૈસાની પઠાણી ઉઘરાણી કરે છે. હું આ લોકોના અસહ્ય ત્રાસ અને બદનામીથી કંટાળી ગયો છું, તેથી આપઘાત કરું છું." વધુમાં સ્યુસાઈડ નોટમાં અન્ય ચાર શખ્સોના નામ પણ જણાવેલા છે.
