Rajkot: સરધારના વેપારી સસ્તામાં TMTના સળિયા ખરીદવા જતાં સાયબર ગઠિયાની જાળમાં ફસાયા, રૂ.14.40 લાખ ગુમાવ્યા

રકમ ટ્રાન્સફર કર્યાં બાદ વેપારીએ માલની ડિલિવરી માટે ફોન કર્યો, તો આરોપી ગલ્લાતલ્લા કરવા લાગ્યો. થોડા દિવસ બાદ ફોન સ્વિચઑફ કરી દેતા વેપારીને પોતાની સાથે ઠગાઈ થયાનું ભાન થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 06 May 2026 07:24 PM (IST)Updated: Wed, 06 May 2026 07:24 PM (IST)
rajkot-news-rs-14-40-lakh-online-fraud-with-trader-on-name-of-cheap-tmt-bars
HIGHLIGHTS
  • ઈન્ડિયા માર્ટ પર ઈન્ક્વાયરી કરીને નકલી ડીલરની જાળમાં ફસાયા

Rajkot: ડિજિટલ ક્રાંતિના યુગમાં સાયબર ઠગ ટોળકીઓ હવે વેપારીઓને પોતાનો શિકાર બનાવી રહી છે. રાજકોટના સરધાર ગામના એક વેપારીએ ઓનલાઇન સસ્તા સળિયા ખરીદવાની લાલચમાં 14.40 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. ટાટા અને JSW જેવી બ્રાન્ડેડ કંપનીના ડીલર હોવાનો દાવો કરી ગઠિયાએ વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા.

સરધાર ગામે સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને 'ઉમા શક્તિ એન્ટરપ્રાઇઝ' નામે RCC રો-મટીરીયલ્સનો વ્યવસાય કરતા હીરેનભાઈ કાશીપરાએ બાંધકામના વ્યવસાય માટે સળિયાની જરૂર હોવાથી ડિસેમ્બર 2025માં 'ઈન્ડિયા માર્ટ' પોર્ટલ પર સર્ચ કર્યું હતું. આ ઈન્કવાયરીના આધારે 1 જાન્યુઆરી 2026ના રોજ તેમને કેશવ ઝા નામના શખ્સનો ફોન આવ્યો હતો.

આરોપી કેશવ ઝાએ પોતાની ઓળખ 'કેશવ એન્ટરપ્રાઇઝ'ના પ્રતિનિધિ તરીકે આપી હતી. તેણે પોતે ટાટા, JSW અને દુર્ગાપુર જેવી નામાંકિત કંપનીઓના અધિકૃત ડીલર હોવાનું જણાવી હીરેનભાઈનો વિશ્વાસ જીત્યો હતો. બંને વચ્ચે થયેલી વાતચીત બાદ 30 ટન TMT સળિયા માટે 14.40 લાખનો સોદો નક્કી થયો હતો.વેપારીએ વિશ્વાસમાં આવી 14 જાન્યુઆરીના રોજ RTGS મારફતે આ રકમ કેશવ એન્ટરપ્રાઇઝના યુનિયન બેંકના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી.

રકમ જમા થયા બાદ હીરેનભાઈએ માલની ડિલિવરી માટે ફોન કર્યો તો આરોપીએ અવનવા બહાના બતાવ્યા હતા. થોડા દિવસો બાદ ગઠિયાએ પોતાનો મોબાઈલ ફોન જ બંધ કરી દીધો હતો. છેતરપિંડી થઈ હોવાનું જણાતા વેપારીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી હતી.