Rajkot: ટંકારા નજીક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કારને આંતરીને બંદૂકની અણીએ રૂ. 1 કરોડની દિલધડક લૂંટ

આંગડિયા પેઢીની કારને અકસ્માત સર્જીને ઉભી રખાવ્યા બાદ ડ્રાઈવર અને કર્મચારીને ધમકાવી લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 21 May 2025 11:13 PM (IST)Updated: Wed, 21 May 2025 11:13 PM (IST)
rajkot-news-rs-1-crore-loot-from-angadia-firm-employee-near-tankara
HIGHLIGHTS
  • લૂંટારુઓનું પગેરું મેળવવા મોરબી જિલ્લામાં નાકાબંધી

Rajkot: રાજકોટ-મોરબી હાઈવે પર ટંકારા નજીક ફિલ્મી ઢબે રૂ. 1 કરોડની લૂંટનો બનાવ બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. જેમાં લૂંટારૂઓએ આંગડિયા પેઢીના કર્મચારીની કારને આંતરની બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો છે.

રાજકોટથી મોરબી તરફ આવી રહેલી આંગડિયા પેઢીના કર્મચારીની કારને ટંકારા નજીક બે અન્ય કારમાં આવેલા લૂંટારુઓએ આંતરી હતી. લૂંટારુઓએ પોતાની કાર વડે આંગડિયા પેઢીની કારને અકસ્માત સર્જી રોડ પર જ ઊભી રખાવી હતી. જે બાદ તકનો લાભ ઉઠાવી, બંદૂકની અણીએ ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓને ધમકાવી કારમાં રાખેલી રૂપિયા 1 કરોડની રોકડની લૂંટ ચલાવી હતી. લૂંટને અંજામ આપ્યા બાદ બંને કારમાં આવેલા લૂંટારુઓ તુરંત જ ફરાર થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ મોરબી જિલ્લા પોલીસ હરકતમાં આવી હતી. મોરબી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં નાકાબંધી જાહેર કરવામાં આવી હતી.

રાજકોટ-મોરબી હાઇવે અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસે લૂંટારુઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આંગડિયા પેઢીના કર્મચારીઓની પૂછપરછ કરીને લૂંટારુઓ વિશે વધુ વિગતો મેળવવામાં આવી રહી છે