Aniruddhsinh Jadeja Ribda: ગોંડલનું રીબડા ગામ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. અહીં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મોટા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેને એક શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા જ, અનિરુદ્ધસિંહના પુત્ર સત્યજીતસિંહ જાડેજાએ એક વીડિયો જાહેર કરીને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે આ વીડિયો દ્વારા રીબડા આવી રહેલા તમામ સમર્થકોને ખાસ સંદેશ આપ્યો છે.
સત્યજીતસિંહે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું કે તેમને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે તમામ સમાજના લોકો પોતાની લાગણી દર્શાવવા માટે રીબડા આવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ અને તેમનો પરિવાર બધાની લાગણીને સમજે છે, પરંતુ તેમણે સૌને નમ્ર વિનંતી કરી છે કે રીબડા ભલે આવે પરંતુ શિસ્તબદ્ધ રીતે આવે. તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઊભી ન થાય તે જોવાની સૌની જવાબદારી છે.
પોતાના નિવેદનમાં સત્યજીતસિંહે સ્પષ્ટતા કરી કે તેમનો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અને ભૂતકાળમાં પણ તેમણે કોર્ટના આદેશોનો સ્વીકાર કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેમનો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે. તેમણે એક ખાસ નોંધ લેવા જણાવ્યું કે રીબડા ખાતે યોજાઈ રહેલું આ સંમેલન કોઈ સરકાર કે રાજકીય પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ નથી.
મહાસંમેલનનો હેતુ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે સમર્થકો પોતાની લાગણી દર્શાવવા અને સરકારશ્રી તરફથી ન્યાય મળે તેવા હેતુથી આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વી સપોર્ટ અનિરુદ્ધસિંહ જાડેજા અને ચાલો રીબડા જેવા પોસ્ટર પણ ચર્ચાનું કારણ બન્યા છે. સત્યજીતસિંહના મતે, મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવાનો પ્રયાસ એક સારી વાત છે.
આ વીડિયો જાહેર કરવાનું કારણ જણાવતા સત્યજીતસિંહે કહ્યું કે તેમના પિતા અનિરુદ્ધસિંહ અને નાના ભાઈ રાજદીપસિંહની ગેરહાજરીને કારણે, આ જવાબદારી નિભાવવી જરૂરી હતી. તેથી તેમણે સૌને સાથે મળીને આ જવાબદારી નિભાવવા માટે અપીલ કરી છે.