Rajkot: મૂળ વડોદરાનો વતની અને હાલ જામનગર રિલાયન્સ ખાવડી ખાતે એન્જિનિયર તરીકે ફરજ બજાવતો યુવાન પોતાના ચાર મિત્રો સાથે રાજકોટ પરીક્ષા આપવા માટે કાર લઈને આવતો હતો, ત્યારે પડધરીના રામપર પાસે આગળ જતી કારે બ્રેક મારતાં એન્જિનિયર યુવકની કારે પણ બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુરપાટ ઝડપે ધસી આવતાં ટ્રક ચાલકે એન્જિનિયર યુવકની કારને ઠોકરે ચડાવી હતી. આ અકસ્માતમાં ઘવાયેલા એન્જિનિયર યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ વડોદરાના વતની અને હાલ જામનગર રિલાયન્સ ખાવડી ખાતે એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં પ્રફુલ ભાસ્કરભાઈ જાની નામનો 26 વર્ષનો યુવાન કાર લઈને પડધરીના મોવૈયા અને રામપર ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો.
જ્યારે અજાણી કાર સાથે અકસ્માત સર્જાયો હોવાના આક્ષેપ સાથે યુવકને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રફુલ જાની મુળ વડોદરાનો વતની હતો અને હાલ જામનગરના ખાવડી ગામે રહી રિલાયન્સમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો. પ્રફુલ જાની તેના મિત્રો સાથે રાજકોટ પરીક્ષા આપવા માટે આવતો હતો, ત્યારે રામપર પાસે આગળ જતી કારે અચાનક બ્રેક મારતાં એન્જિનિયર યુવકની કારના ચાલકે પણ બ્રેક મારી હતી.
આ દરમિયાન પાછળથી ધસી આવેલા ટ્રકે કારને કચડી નાખતાં સર્જાયેલા અકસ્માતમાં પ્રફુલ જાનીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પડધરી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
