Rajkot: ગઈકાલે આપઘાત કરનાર દુષ્કર્મના આરોપી ગોંડલના રીબડાના અમિત ખૂંટની આજે તેના નિવાસ સ્થાનેથી ભારે હૈયે અંતિમયાત્રા નીકળી હતી. આ સમયે સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. સાંજે 5 કલાકે શરૂ થયેલી અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
હકીકતમાં આપઘાત કરનાર અમિત ખૂંટે ગઈકાલે લોધિકા રોડ પર આવેલી પોતાની વાડીની બાજુના વોંકળામાં ઝાડ પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. અમિત ખૂંટ વિરુદ્ધ મૂળ અમરેલીની અને રાજકોટની હોટલમાં રહીને મોડલિંગ કરતી સગીરા પર દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસ તેને શોધી રહી હતી, ત્યારે ફરિયાદ નોંધાયાના બીજા દિવસે જ અમિતે જિંદગી ટૂંકાવી લીધી હતી.
આ સમયે મૃતક અમિતના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આી હતી. જેમાં પોતાને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. જેમાં રાજદીપસિંહ જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા અને બે યુવતીઓના નામનો ઉલ્લેખ કરીને અમિતે પોતાના મરવા પાછળ તેમને જવાબદાર ઠેરવ્યા હતા. આ મામલે મૃતક અમિત ખૂંટના ભાઈએ ચાર જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ અમિત ખૂંટના પરિવારજનોએ ન્યાય ના મળે, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. જેમાં જિલ્લા પોલીસ વડાએ આરોપીઓની ધરપકડ માટે SITની રચના કરવાની અને તટસ્થ તપાસની ખાતરી આપતા પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો.
જે બાદ આજે સાંજે 4 વાગ્યાના અરસામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રીબડા ખાતે અમિત ખૂંટની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ગોંડલના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. અંતિમ વિધિ વખતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમનો પુત્ર ગણેશ ગોંડલ ઉપરાંત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળિયા, માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળિયા સહિતના અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ઉપરાંત અમિતના મિત્રો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા હતા. જ્યાં મૃતકના 9 વર્ષીય પુત્રએ ધ્રુસકે-ધ્રુસકે રડતાં પિતાના દેહને મુખાગ્નિ આપી હતી.
