Rajkot News: ગોંડલના ગણેશ જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી સાથે રાજકીય અને સામાજિક ક્ષેત્રે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ચાલી રહેલી ગેરસમજ બાદ રાજુ સોલંકી અને ગણેશ જાડેજા વચ્ચે સુખદ સમાધાન થયું છે. એવામાં ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ ગણેશ જાડેજાના જન્મોત્સવમાં રાજુ સોલંકીએ ખાસ હાજરી આપી હતી.
આ પ્રસંગે રાજુ સોલંકીએ જણાવ્યું કે, સમગ્ર અનુસુચિત સમાજ ગણેશભાઈ અને જયરાજસિંહ બાપુની સાથે જ છે. મારી અનુસૂચિત જાતિના યુવાનોને વિનંતી છે કે, ગેરમાર્ગે દોરતી ટૂકડે-ટૂકડે ગેંગ અને તોડબાજ ગેંગની વાતોમાં ના આવશો.
રાજુ સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, જયરાજસિંહ બાપુ અને ગણેશભાઈ પર દબાણ લાવવા માટે ખોટા-ખોટા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. આ તકે જૂનાગઢ જિલ્લા અનુસુચિત જાતિ સમાજના પ્રમુખ સહિતની ટીમે પણ ગણેશ જાડેજાને શુભેચ્છા પાઠવી હતી.
વાયરલ થઈ રહેલી ઑડિયો ક્લિપ અંગે મોટો ખુલાસો કરતાં રાજુ સોલંકીએ જણાવ્યું કે, આ ઑડિયો 2-3 મહિના જૂનો છે. રૂ. 10 કરોડની વાત માત્ર સમાધાન ના થાય તેના માટે કરવામાં આવી હતી.
જૂનાગઢમાં અપાયેલા આવેદન પર સવાલ ઉઠાવતા રાજુ સોલંકીએ જણાવ્યું કે, આ બધુ જ માત્ર તોડ કરવા માટે થઈ રહ્યું છે. તેઓ જ્યારે 13 મહિના જેલમાં હતા, ત્યારે આવા વિરોધ કરનારા ક્યાં હતા?
જન્મદિવસ નિમિત્તે 'મેગા રોજગાર મેળા'માં 1500 યુવાનોને તક
ગણેશ જાડેજાના જન્મદિવસ નિમિત્તે માત્ર ઉત્સવ નહીં પણ સેવાકીય પ્રવૃત્તિનો માહોલ જોવા મળ્યો હતો.ગોંડલમાં 'મેગા રોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1500થી વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
અનેક નામી કંપનીઓએ હાજરી આપી હતી અને અનેક યુવાનોને સ્થળ પર જ નોકરીની તકો મળી હતી.આ પ્રસંગે સાધુ-સંતો, રાજકીય આગેવાનો અને ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
