Rajkot: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના સૌરાષ્ટ્ર પ્રવાસને લઈને તડામાર તૈયારી, જાણો 3 દિવસનું સંપૂર્ણ શિડ્યુલ

રાષ્ટ્રપતિ સાસણ ખાતે સિંહ દર્શન કરવા માટે જશે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપી અંતે દિલ્હી જવા રવાના થશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Oct 2025 05:11 PM (IST)Updated: Wed, 08 Oct 2025 05:11 PM (IST)
rajkot-news-president-of-india-droupadi-murmu-to-visits-3-days-saurashtra
HIGHLIGHTS
  • રાષ્ટ્રપતિ કાલે સાંજે 6 વાગ્યે રાજકોટ સર્કિટ હાઉસમાં પહોંચી ત્યાં રાત્રિ રોકાણ કરશે
  • પોતાના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશના દર્શન કરશે

Rajkot: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી તા.9થી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યાં છે. આ VVIP મુલાકાતને લઈને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઈ છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.

રાષ્ટ્રપતિ આવતીકાલે સાંજે 6:00 કલાકે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. તા. 10મીના રોજ સવારે 10:00 વાગ્યે તેઓ સર્કિટ હાઉસથી હિરાસર એરપોર્ટ જવા રવાના થશે.

હિરાસર એરપોર્ટ પરથી તેઓ સીધા જ સોમનાથ જવા રવાના થશે. સોમનાથ ખાતે બપોરે 12:00 વાગ્યે તેઓ સોમનાથ દાદા દર્શન કરશે અને ત્યારબાદ બપોરનું ભોજન લેશે. ભોજન બાદ તેઓ સાસણ ખાતે સિંહ દર્શન માટે જવા રવાના થશે અને ત્યાં જ રાત્રિ રોકાણ કરશે. 11મી તારીખે સવારે તેઓ સાસણ ખાતેથી સીધા જ દ્વારકા જવા રવાના થશે.

દ્વારકા મંદિર ખાતે દ્વારકાધીશના દર્શન અને બપોરનું ભોજન લીધા બાદ તેઓ જામનગર એરપોર્ટ ખાતે પહોંચશે. જામનગરથી તેઓ સીધા જ અમદાવાદ ખાતેની ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા માટે રવાના થશે.

રાષ્ટ્રપતિના રાજકોટ ખાતેના રાત્રિ રોકાણને લઈને કલેક્ટર તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. તેમની સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારી 50 જેટલા અધિકારીઓને સોંપવામાં આવી છે. કોઈપણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસ તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે એક ખાસ વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે.