Rajkot: શહેરમાં માધાપર ચોકડીએ રહેતાં વેપારી સ્કૂટર લઈ કુવાડવામાં આવેલી પોતાની કરીયાણાની દૂકાને જતા હતા, ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યા કાર ચાલકે વેપારીના સ્કૂટરને ઠોકરે ચડાવ્યું હતું. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા વેપારીનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડી પાસે મેરીગોલ્ડ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતાં નિલેષભાઇ હરિદાસભાઇ ભીંડોરા (ઉ.વ.59) સવારના દસેક વાગ્યના અરસામાં ઘરેથી એક્ટિવા હંકારી કુવાડવા ગામમાં આવેલી પોતાની કરિયાણાની દૂકાને જવા નીકળ્યા હતા, ત્યારે બેડી ચોકડી નજીક અજાણ્યો કારચાલક ઠોકરે ચડાવી ભાગી ગયો હતો.
આ પણ વાંચો
આ ઘટનાને પગલે એકઠા થયેલા લોકોમાંથી કોઇએ નિલેશભાઇનો ફોન ચેક કરતાં છેલ્લે તેમણે ભત્રીજા સાથે વાત કરી હોઇ તેમાં કોલ જોડતાં સગાને બનાવની જાણ થઇ હતી. નિલેશભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નિલેષભાઇ 6 ભાઇ એક બહેનમાં વચ્ચેટ હતાં અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર દુબઇમાં રહી કામ કરે છે. નિલેશભાઇ કુવાડવામાં કરિયાણાનો વેપાર કરતાં હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ બસ સ્ટેશનની બહાર બેકાબુ એસટીએ મુસાફરને ચગદી નાંખ્યો
ગઈકાલે બનેલા અકસ્માતની અન્ય એક ઘટનામાં 'રાજકોટ-બરવાળા-રાજકોટ' રૂટની એક એસટી બસ બસ સ્ટેશનની બહાર નીકળી રહી હતી. તે જ સમયે બસની બ્રેક ફેલ થતાં ડ્રાઇવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ સ્ટેશનની બહારથી પસાર થઈ રહેલા એક 65 વર્ષીય મુસાફરને આ બેકાબૂ બસે જોરદાર ટક્કર મારી હતી.
ટક્કર એટલી પ્રચંડ હતી કે, મુસાફરના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને તેમાંથી લોહી વહેવા લાગ્યું હતું. આ અકસ્માતના કારણે વૃદ્ધ મુસાફરનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતાં જ બસપોર્ટ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ (પોસ્ટમોર્ટમ) માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને બસના ડ્રાઇવરની પૂછપરછ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
