Rajkot: લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ-કાગવડ ખાતે આગામી રવિવારે ઈતિહાસ રચાશે. ખોડલધામના આંગણે સત્તા અને સમાજનો અનોખો સંગમ જોવા મળશે. જ્યાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીની સાક્ષીએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને પાટીદાર મંત્રીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાશે
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત સરકારના કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ મહાનુભાવોની હાજરીમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદિશભાઈ વિશ્વકર્માનું વિશેષ બહુમાન કરવામાં આવશે.
આ સાથે જ રાજ્ય સરકારમાં સ્થાન પામેલા લેઉવા પટેલ સમાજના મંત્રી જીતુ વાઘાણી, પ્રફુલભાઈ પાનશેરીયા, કૌશિકભાઈ વેકરીયા અને કમલેશભાઈ પટેલનું પણ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલ મંદિર પરિસરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને વ્યવસ્થાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ અવસરે ખોડલધામ ટ્રસ્ટ અને સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, જિલ્લા-તાલુકાના કન્વીનરો અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડશે.
આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આવનાર તમામ ભાવિકો માટે ટ્રસ્ટ દ્વારા ભોજન-પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારનો આ સૂર્યોદય કાગવડની ધરતી પર પાટીદાર એકતાનું નવું કિરણ લઈને આવશે.ખોડલધામના આંગણે યોજાનાર આ કાર્યક્રમ માત્ર સન્માન સમારોહ નહીં, પરંતુ સમાજ શક્તિના દર્શન સમાન બની રહેશે. તડામાર તૈયારીઓ વચ્ચે ટ્રસ્ટ દ્વારા સમસ્ત સમાજને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે
