રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં કિલકિલાટઃ સિંહણ ધરતીએ 3 સિંહ બાળને જન્મ આપ્યો; સિંહની કુલ સંખ્યા વધીને 20 થઈ

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણ ધરતીએ 22 જુલાઈના રોજ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે, જે માતા અને બચ્ચાં સ્વસ્થ છે. આ નવા જન્મો સાથે ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને 20 થઈ ગઈ છે, જેમાં સફળ સંવર્ધન ચાલુ છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 28 Jul 2026 05:30 PM (IST)Updated: Tue, 28 Jul 2026 05:30 PM (IST)
rajkot-news-pradyuman-park-zoo-welcomes-3-new-asitic-lion-cubs-total-200

Rajkot Pradyuman Park: રાજકોટ પ્રદ્યૂમન પાર્ક ઝૂમાં વધુ એક સિંહણને ત્યાં પારણુ બંધાયુ છે અને સિંહણે ત્રેલડાને જન્મ આપ્યો છે. એશિયાઇ સિંહ નર ધનંજય તથા માદા સિંહણ ધરતી સંવનનથી 107 દિવસના ગર્ભાવસ્થાના અંતે સિંહ માદા ધરતી દ્વારા ગત 22 જુલાઈના રોજ રાત્રીના સમયે સિંહ બાળ જીવ 03(ત્રણ)નો જન્મ થયેલ છે.

હાલ માતા તથા બચ્ચા તંદુરસ્ત છે. ઝૂ વેટરનરી ઓફિસર તથા ટીમ દ્વારા માતા તથા બચ્ચાંનું CCTV દ્વારા રાઉન્ડ ધ કલોક મોનિટરિંગ કરવામાં આવે છે. 

 

જૂનમાં સિંહ યુગલ ધનંજય અને ધારાના આંગણે પારણું બંધાયું હતુ


ઉલ્લેખનીય છે કે, અગાઉ ગત 11 જૂનના રોજ પ્રદ્યુમન પાર્કમાં રહેલ સિંહણ ધારા દ્વારા ત્રણ બચ્ચાંઓને જન્મ આપવામાં આવ્યો હતો. આ બચ્ચાંઓ પણ હાલ તંદુરસ્ત છે. સામાન્ય રીતે સિંહ, વાઘ, દિપડા જેવા બિલાડી કુળના મોટા પ્રાણીઓ સરેરાશ બે થી ત્રણ બચ્ચાંને જન્મ આ5તા હોય છે.

રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેનું કુદરતી જંગલ સ્વરૂપેનું નૈસર્ગિક વાતાવરણ એશિયાઇ સિંહ તથા સફેદ વાઘને અનુકુળ આવી જતા સમયાંતરે ખુબ જ સફળતાપૂર્વક સંવર્ધન થઇ રહેલ છે.

હાલ ઝૂ ખાતે વધુ 3 સિંહ બાળનો જન્મ થતા એશિયાઈ સિંહની સંખ્યા વધીને 20 થઇ ગઈ છે. જેમાં પુખ્ત નર-04, પુખ્ત માદા-08, પાઠડા નર-02 તથા બચ્ચા-06નો સમાવેશ થાય છે.