Rajkot: ગુજરાતમાં મંત્રી મંડળમાં ફેરફારો બાદ ખોડલધામ કાગવડ ખાતે આગામી રવિવારે મોટો રાજકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જે અંતર્ગત લેઉવા પટેલ સમાજના મંત્રીઓ તેમજ નવનિયુકત ભાજપ પ્રદેશ પ્રમુખનું સન્માન કરવામાં આવશે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આગામી તા.7ને રવિવારના રોજ ખોડલધામ મંદિર કાગવડ ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત લેઉવા પાટીદાર સમાજના મંત્રીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
આગામી રવિવારે સવારે 8:30 વાગ્યે ખોડલધામ ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આ અંગે સમાજના શ્રેષ્ઠીઓ-ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય-સામાજીક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ખોડલધામના દર્શને આવ્યા હતા. જે બાદ આગામી રવિવારે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ તેમજ લેઉવા પટેલ પ્રધાનો પણ ખોડલધામના સાનિધ્યમાં આવી રહ્યા છે, જે સૂચક માનવામાં આવે છે.
