Rajkot: હોળી-ધુળેટીએ જાહેરમાં કલર ઉડાડનારા સામે ગુનો નોંધાશે, રેસકોર્સ રિંગ રોડ ઉપર પોલીસની SHE ટીમ તૈનાત રહેશે

રાજકોટ શહેર ભરમાં 4 DCP, 17 ACP, 30 PI સહિત 400થી વધુ પોલીસ અધિકારીઓ, SRPની 3 કંપની અને 100થી વધુ હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 26 Feb 2026 08:19 PM (IST)Updated: Thu, 26 Feb 2026 08:19 PM (IST)
rajkot-news-police-issues-strict-guidelines-for-holi-and-dhuleti-2026-public-colour-throwing-banned
HIGHLIGHTS
  • હોળી-ધુળેટીના પર્વને પગલે પોલીસ કમિશનરનું જાહેરનામું
  • છાકટા વેડા કરનારા તત્વોની પોલીસ શાન ઠેકાણે લાવી દેશે

Rajkot: આગામી તા 4 માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી થનાર છે, ત્યારે ધાર્મિક તેમજ સામાજીક પર્વની ઉજવણી શહેરના જુદા-જુદા મહોલ્લાઓ, સાર્વજનીક જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓમાં થતી હોય છે.

રાજકોટમાં ધુળેટી તહેવાર પર લોકો એકબીજાને રંગ લગાવે છે. જોકે આ તહેવાર દરમિયાન કંઈક અનિચ્છનીય ઘટના બનવાનો ભય રહે છે. આવું કંઈ ન બને તે માટે પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી ધુળેટીના તહેવાર અંગે પોલીસે કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે.

જેમાં ધુળેટી ઉપર જાહેરમાં કલર ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જેથી જાહેરમાં રંગ ઉડાડનાર સામે ગુનો નોંધાશે તેમજ છાકટાવેળા કરનાર તત્વોની શાન ઠેકાણે લાવવા મહિલા પોલીસની શી-ટીમને તૈનાત કરવામાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનરે હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન પાણીના ફુગ્ગા ફોડવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ જાહેર રસ્તાઓ પર રાહદારીઓ પર રંગ, ફુગ્ગા કે તેલયુક્ત પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ મુક્યો છે.

ધુળેટીના દિવસે મહિલાઓ, બાળકો અને રાહદારીઓ પર રંગો અથવા પાણીથી ભરેલા ફુગ્ગા ફેંકનાર સામે પોલીસ ગુનો નોંધી કાર્યવાહી કરશે, હોળી અને ધુળેટી બંને દિવસે શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ કરશે. ગેંગ બનાવીને અસામાજિક માનસિકતા ધરાવતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજે હોળી ઉજવવામાં આવશે અને 4/03/2026 ના રોજ ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવશે. આ ધાર્મિક અને સામાજિક તહેવાર રાજકોટ શહેરના વિવિધ વિસ્તારો, જાહેર સ્થળો અને ધાર્મિક સ્થળોએ ઉજવવામાં આવે છે. હોળી તેમજ ધુળેટીના તહેવાર દરમ્યાન પુરૂષો, સ્ત્રીઓ તથા બાળકો જાહેર રસ્તાઓ ઉપર કે જાહેર જગ્યાઓ ઉપર જતાં આવતાં રાહદારીઓ ઉપર કે એક બીજા ઉપર કોરા રંગ (પાવડર), પાણી ભરેલા ફુગ્ગાઓ તેમજ રંગ મિશ્રિત પાણી ભરેલા ફુગ્ગાઓ, કાદવ, રંગ મિશ્રિત પાણી, અથવા તૈલી પદાર્થો કે તૈલી વસ્તુઓ ફેંકવા નહી અને તે માટેના સાધનો પોતાની સાથે લઈ જવા નહી તથા હોળી ધુળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા નહી તેમજ જાહેર રસ્તાઓ ઉપર આમ તેમ દોડવું નહી કે અન્ય કોમની લાગણી દુભાય તેવી રીતનુ વર્તન કરવું નહી કે જાહેર માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ થાય કે અકસ્માત થાય કે કોઈને કે પોતાને ઈજા કે હાની થાય તેવી કોઈપણ પ્રવૃતિથી ટ્રાફિકને અડચણ કરી વાહન વ્યવહારના નિયમનમાં અડચણ કરવું નહી.

સામાન્ય સંજોગોમાં લોકો હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી માટે સોસાયટીઓ, શેરીઓ, ચોક, જાહેર સ્થળો, ખુલ્લા મેદાન અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં એકઠા થાય છે. આ હોળીનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય અને જાહેર સલામતી અને ટ્રાફિક જાળવવા માટે, કેટલીક બાબતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે,. આ જાહેરનામાંનો અમલ તા 2 માર્ચથી રાત થી 4 માર્ચ ના રોજ રાત્રિ 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ધુળેટી ઉપર શહેરના 30 પોઇન્ટ 600 પોલીસ તૈનાત રહેશે
રંગોનાં તહેવાર હોળી-ધુળેટીનાં પર્વની સૌ કોઈ આનંદથી ઉજવણી કરતા હોય છે, ત્યારે આનંદ ઉત્સાહના પર્વમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સવારે 8 વાગ્યાથી જ રસ્તાઓ પર પોલીસ ગોઠવાઇ જશે.

પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા દ્વારા પોલીસના અધિકારીઓને સૂચના ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલિંગ કરવા સુચના આપવામાં આવી છે. હોળી-ધુળેટીના તહેવારને લઇ 4 ડીસીપી,17 એસીપી, 30 પી.આઈ સહીત 400 થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ, SRPની ત્રણ કંપની અને 100 થી વધુ હોમગાર્ડ જવાનો ફાળવાયા છે.

આ ઉપરાંત 15 પેટ્રોલિંગ રૂટ નકકી કરાયા છે અને 30 ફીકસ પોઇન્ટ પર પોલીસ જવાનો ખડેપગે રહેશે. સાદા ડ્રેસમાં મહિલા પોલીસની SHE ટીમ નજર રાખશે.ડ્રીન્ક અને ડ્રાઈવ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવા સૂચના આપી છે. જેને લઈ શહેર પોલીસની સ્પેશ્યલ ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.