Rajkot: પડવલા ગામમાં જીવલેણ હુમલાના ફરાર આરોપીના રૂ. 1 કરોડના આલીશાન મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું

30 માર્ચે દીપેન નામના યુવક પર થાર કાર ચડાવી દઈને બેઝબોલના ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 3 આરોપીઓ પહેલાથી જ પોલીસ સકંજામાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 02 May 2026 12:05 AM (IST)Updated: Sat, 02 May 2026 12:05 AM (IST)
rajkot-news-police-demolish-illegal-property-of-absconding-accused-in-attempted-murder-case
HIGHLIGHTS
  • આરોપીએ સરકારી જમીન પર ગેરકાયેસર રીતે ભવ્ય મકાન બાંધી દીધુ હતુ
  • 3 વખત નોટિસ ફટકારવા છતાં આરોપીએ દબાણ દૂર ના કરતાં તંત્રની લાલઆંખ

Rajkot: ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પડવલા ગામમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સામે પોલીસ અને વહીવટી તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. આરોપી દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ આશરે 1 કરોડ રૂપિયાના આલીશાન મકાનને આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, 30 માર્ચ 2026ના રોજ પડવલા ગામે જીવલેણ હુમલાની ઘટના બની હતી. જેમાં ફરીયાદી દીપેનભાઈ માકડીયા પર આરોપીઓએ થાર કાર ચડાવી અને બેઝબોલના ધોકા તેમજ પાઈપ વડે નિર્દયતાથી હુમલો કર્યો હતો. આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 હેઠળ ગુનો નોંધાયો હતો.

પોલીસ તપાસ દરમિયાન નોમાન ઉર્ફે ધારાગઢી અલીમામદ શેઠા, અલ્તાફ ઉર્ફે અફલો ગુલમહમદ જેડા અને અયાન ઉર્ફે સર્વિસ ગણોદવાલા સહિતના આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. વધુ તપાસમાં શાહરૂખ ઉર્ફે મસ્તાન નોઇડા અને સોયમ ઉર્ફે સોહિલ ધાવડા પણ આ કાવતરામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

આ કેસનો મુખ્ય આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા હાલ ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે. તપાસ દરમિયાન આરોપીના ગુનાહિત ઇતિહાસ સાથે તેની ગેરકાયદેસર મિલ્કતો પણ બહાર આવી છે.

આરોપીએ પડવલા ગામે સરકારી જમીન પર આશરે 300 ચોરસ વાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મકાન ઉભું કર્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ દૂર કરવામાં આવ્યું ન હતું. જેના કારણે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને પોલીસ તંત્રની હાજરીમાં આજે આ ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું અને જમીન ખાલી કરાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આરોપી સામે અત્યાર સુધીમાં લગભગ 13 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ કાર્યવાહી બાદ ફરિયાદી ઉપરાંત ગ્રામજનોએ વહીવટી તંત્રની કામગીરીને બિરદાવી હતી.