Rajkot: કચ્છ સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા તા. 11 અને સોમવારથી ચાલુ કરવામાં આવેલી હડતાલનો આજે અંત આવ્યો છે. મજૂરી, લાઈનકામ, ફેબ્રિકેશન અને વાહન ભાડા તેમજ લોડીંગ, અનલોડીંગના ચાર્જ વગેરે જેવા મુદ્દાઓ પર શરૂ થયેલી હડતાલ આજે PGVCLના એમ.ડી. સાથે બેઠક બાદ સમાપ્ત થઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગત પ્રમાણે, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરની મધ્યસ્થીથી કોન્ટ્રાક્ટર એસોસિએશને આજે PGVCL મેનેજમેન્ટ સમક્ષ મિટિંગ કરી હતી. જેમાં PGVCL મેનેજમેન્ટ દ્વારા જ ભાવ વધારો કરી આપવાની લેખિતમાં ખાતરી આપી હતી. જેને પરિણામે 700થી વધુ કોન્ટ્રાક્ટરો દ્વારા છ દિવસથી ચાલી રહેલી હડતાલનો આજે અંત આવ્યો છે.
આ અંગેની યાદીમાં કચ્છ-સૌરાષ્ટ્ર PGVCLના એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ માતાએ જણાવ્યું કે, ગત તારીખ 11.11.2024 થી કચ્છ-સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા ભાવ વધારા બાબતે PGVCL મેનેજમેન્ટ પાસે અનેક રજૂઆતો કરવા છતા યોગ્ય પ્રતિસાદ ન મળતા હડતાલ પાડવામાં આવી હતી. જો કે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરની મધ્યસ્થી અને સરકાર તેમજ PGVCL મેનેજમેન્ટ સમક્ષ રજુઆતો કરતા અને તે બાબતે કોન્ટ્રાક્ટરો સાથે પણ વિગતવાર ચર્ચા કરતા આજ રોજ મેનેજિંગ ડાયરેક્ટર સાથે સંગઠન ની રૂબરૂ મિટિંગ થતા ચાલી રહેલી હડતાલ બાબતે સુખદ સમાધાન થતા હડતાલનો અંત આવ્યો હતો.
આજરોજ મેનેજમેન્ટ દ્વારા બોર્ડ મિટીંગ મળ્યા બાદ ભાવ વધારો મંજૂર કરવામાં આવશે તેમજ અન્ય જે કઈ ભાવ વધારો વ્હીકલ હાયરિંગ, ફેબ્રિકેશન, લોડીંગ-અનલોડીંગ વગેરેનું PGVCL મેનેજમેન્ટ દ્વારા જ ભાવ વધારો કરી આપવામાં આવશે તેવી લેખિતમાં ખાત્રી આપવામાં આવેલ છે. વધુમાં છેલ્લા 5 દિવસ દરમ્યાન પ્રજાને મુશ્કેલી પડી હોય તો કચ્છ-સૌરાષ્ટ્ર PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશન દિલગીરી વ્યક્ત કરે છે.
