Rajkot: સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારી, મોતિયાના ઑપરેશન બાદ મણી પડદા પાછળ જતી રહેતા વૃદ્ધ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 05 Feb 2024 06:17 PM (IST)Updated: Mon, 05 Feb 2024 06:58 PM (IST)
rajkot-news-patient-lost-vision-after-cataract-surgery-in-civil-hospital
HIGHLIGHTS
  • ખાનગી હોસ્પિટલમાં તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો
  • ઓપરેશન સમયે જ તબીબ ‘ભાંગી ગયું’ બોલતા હતા: દર્દી

Rajkot: છાશવારે વિવાદોમાં આવતી રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે સિવિલ હોસ્પિટલના સંકુલમાં આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ એક દર્દીએ દ્રષ્ટી ગુમાવી દીધાનો દર્દીના પરિવારે ચોકાવનારો આક્ષેપ કર્યો છે.

સૌરાષ્ટ્રની હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારીના કારણે સિવિલ હોસ્પિટલ ચર્ચાના ચકડોળે રહી છે. સિવિલ હાસ્પિટલમાં તબીબોની બેદરકારી અંગે અનેક વખત આક્ષેપો થયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલ કેમ્સમાં જ આવેલી જીટી શેઠ આંખની હોસ્પિટલમાં જ મોતિયાના ઓપરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવીદીધાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી જવા પામી છે. જેમાં

રાજકોટમાં આજી વસાહતમાં આવેલા ખોડિયારપરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા નામના 60 વર્ષના વૃદ્ધને મોતિયાના ઓપરેશન માટે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી જીટી શેઠ સરકારી હોસ્પિટલમાં ગત તા. 30ને મંગળવારના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં. જેના બીજા દિવસે બુધવારના રોજ માણસુરભાઈ મકવાણાની ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મોતિયાનું ઓપરેશન કર્યા બાદ માણસુરભાઈ મકવાણાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

naidunia_image

જો કે પાછળથી માણસુરભાઈ મકવાણાને ઓપરેશન કરાવેલી આંખમાં દુખાવો ઉપડતા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં તપાસ અર્થે લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં ખાનગી હોસ્પિટલના તબીબે જોઈ તપાસી માણસુરભાઈ મકવાણાના ઓપરેશનમાં ખામી રહ્યાનું અને મણી પડદા પાછળ જતી રહી હોવાનું જણાવતા પરિવારજનો આક્રોશ સાથે મનસુખભાઈ મકવાણાને લઈને ફરી સરકારી હોસ્પિટલમાં લાવ્યા હતાં. જ્યાં તબીબોની બેદરકારીના કારણે ઓપરેશન ફેઈલ થયાનું અને મણી પદડા પાછળ જતી રહી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત તબીબે મામલો પતાવી અમદાવાદ ખાતે સારવાર અર્થે મોકલવાની વાત કરી ઘટના પાછળ પડદો પાડવાની કોશિશ કરી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવેલી જીટી શેઠ હોસ્પિટલમાં મોતિયાના ઓરેશન બાદ દર્દીએ દ્રષ્ટિ ગુમાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

ઓપરેશન સમયે જ તબીબ ‘ભાંગી ગયું’ એમ બોલતા હતા: દર્દી માણસુરભાઈ
મોતિયાના ઓપરેશનમાં દ્રષ્ટી ગુમાવનાર માણસુરભાઈએ જણાવ્યું કે, તેઓ મંગળવારે સાંજે સિવિલ હોસ્પિટલના આંખ વિભાગમાં મોતિયાના ઓપરેશન માટે દાખલ થયા હતાં. મંગળવારે આખો દિવસ રિપોર્ટ કરાવ્યા બાદ ઓપરેશન થીયેટરમાં લઈ ગયા હતાં. જ્યાં ઓપરેશન વેળાએ તબીબો ‘ભાંગી ગયું છે’ એમ બોલતા હતાં, બાદમાં તબીબોએ ઓપરેશન થઈ ગયું છે કહી વોર્ડ રૂમમાં મોકલી આપ્યા હતાં.

જે બાદ રાતે મને દુખાવો થતાં તબીબે દવા આપી હતી. બીજા દિવસે સવારે તેમને દેખાતુ બંધ થઈ જતાં તબીબને જાણ કરતા તબીબે અલગ રૂમમાં લઈ જઈ સમજાવી મણીનું ઓપરેશન કરવાનું કહેતા તેમને શંકા જતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં જતાં તેમના પડદા પાછળ મણી જતી રહી હોવાનું ખુલ્યું હતું.

આમ સિવિલના તબીબોની બેદરકારીના કારણે ઓપરેશન વેળાએ મણી તૂટીને આંખના પડદાની પાછળ જતી રહી હતી અને તબીબોએ દર્દીને અંધારામાં રાખી બીજુ ઓપરેશન કરાવવાની વાત કરી હતી ત્યારે હવે સિવિલ સર્જન શું પગલા લે છે તે જોવાનું રહ્યું હાલ તો દર્દી દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે.

દર્દીને વધુ સર્જરી માટે અમદાવાદ મોકલવાની તૈયારી: સિવિલ તંત્ર

આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું કે, મોતિયાનું ઑપરેશન થયું હતુ. ઑપરેશન દરમિયાન કૉમ્પ્લિકેશન થતાં બીજી સર્જરી કરવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. જેથી દર્દીને વધુ એક સર્જરી કરવામાં આવશે. જો જરૂર જણાશે તો સરકારી એમ્બ્યુલન્સમાં ડૉક્ટર સાથે દર્દીને બીજી સર્જરી માટે અમદાવાદ મોકલવાની પણ અમારી તૈયારી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.