Rajkot News: પડધરીના ફતેપરા ગામના પટેલ યુવાન ઉપર આડા સંબંધના કારણે થયેલા હુમલા બાદ સારવાર માટે તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટાયો છે. આડા સંબંધને કારણે પટેલ યુવાન ઉપર પારિવારીક વ્યક્તિએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન રાજકોટ હોસ્પિટલમાં મોત થયું છે. બનાવની જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.
મળતી વિગતો મુજબ, પડધરી તાલુકાના ફતેપરા ગામના વતની અશ્વિનભાઈ ગજેરા નામના યુવાન ઉપર તેના જ નજીકના કૌટુંબીક સગાએ હુમલો કરતાં તેને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર અર્થે પડધરી હોસ્પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકેાટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પડધરી પોલીસને કરવામાં આવતાં પીએસઆઈ ઝાલા સહિતનો સ્ટાફ રાજકોટ દોડી આવ્યો હતો.
પડધરીના ફતેપર ગામના અશ્વિન ગજેરાના મોત અંગેનું કારણ જાણવા પોલીસે ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ, અશ્વિનભાઈની હત્યા પાછળ પર સ્ત્રી સાથેનો આડો સંબંધ કારણભૂત હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસ પૂર્વે આ મામલે અશ્વિનભાઈને માથાકુટ થઈ હતી અને ત્યારબાદ તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તેમજ આ હત્યા અંગેના વધુ પુરાવા મેળવવા માટે પોલીસે અશ્વિનભાઈના મોબાઈલના કોલ ડીટેઈલ ઉપર તપાસ કેન્દ્રીત કરી છે.
ફતેપરા ગામના અશ્વિન ગજેરાની હત્યામાં ઘરના જ ઘાતકી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પડધરીના ફતેપરા ગામના બનેલા આ બનાવથી નાના એવા ફતેપરા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક અશ્વિનભાઈ પરિણીત હોવાનું જાણવા મળ્યું છે અને છેલ્લા ઘણા વખતથી તેમને એક મહિલા સાથે સંબંધ હોય જેની જાણ થઈ જતાં માથાકુટ થઈ હતી અને આ બોલાચાલી હુમલા સુધી પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અશ્વિનભાઈનું મોત થયું છે. પ્રાથમિક તપાસમાં આ બનાવમાં પ્રથમ અશ્વિનભાઈનું હાર્ટએટેકથી મોત થયાનું ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ તપાસ બાદ આ મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું છે.
