Rajkot: ક્ષત્રિય સમાજની બેઠકમાં ફરીથી રુપાલાએ બે હાથ જોડીને માફી માગી, જયરાજસિંહ જાડેજાએ કહ્યું- 'આ વિવાદ હવે અહીં સમાપ્ત થયો'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 29 Mar 2024 09:05 PM (IST)Updated: Fri, 29 Mar 2024 09:06 PM (IST)
rajkot-news-parshottam-rupala-apology-again-his-statement-on-kshatriya-samaj

Rajkot: ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રુપાલાએ કરેલી ટિપ્પણીને લઈને છેલ્લા કેટલાક દિવસથી રાજકારણ ગરમાયું છે. ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની જગ્યાએ બીજા ઉમેદવારને ઉતારવાની માંગ કરવામાં આવી રહી હતી. જેના પગલે ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં આવી ગયું હતુ. જે અંતર્ગત આજે ગોંડલ ખાતે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી. જેમાં ફરીથી રૂપાલાએ માફી માંગી હતી. જ્યારે જયરાજસિંહ જાડેજાએ આ વિવાદનો અહીંથી જ અંત આવ્યો હોવાનું જણાવ્યું હતુ.

ગોંડલના સેમળા ગામે આવેલા ગણેશ ગઢમાં આયોજિત ક્ષત્રિય સમાજની બેઠકમાં સામેલ થવા આવેલા પરષોત્તમ રુપાલાનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતુ. જ્યાં જાહેર મંચ પરથી સમાજની માફી માંગતા રુપાલાએ જણાવ્યું કે, મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો છે. મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો મને રંજ છે. આથી હું ક્ષત્રિય સમાજ સામે બે હાથ જોડીને માફી માંગુ છું.

મારી આખી જિંદગીમાં કોઈ નિવેદન કરીને મેં પાછું ખેંચ્યુ હોય, તેવો કોઈ રેકોર્ડ નથી. આ મારી ભૂલ છે અને તેના માટે હું જ જવાબદાર છું.મારા ઉચ્ચારણના કારણે પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો તેનો મને રંજ છે. આથી જ આ સમાજ પાસે બે હાથ જોડીને માફી માંગુ છું.

જયરાજસિંહનો આભાર વ્યક્ત કરતા રુપાલાએ જણાવ્યું કે, આ સમગ્ર બાબતે એક ક્ષત્રિયને છાજે એ રીતે આપે (જયરાજસિંહ જાડેજા)એ રસ લીધો, તે બદલ હું આપનો આભાર માનું છું. આ સાથે જ વરિષ્ઠ આગેવાન તરીકે પાર્ટી વતી તમને અભિનંદ આપું છું.

બીજી તરફ બેઠક બાદ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે, પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી લીધી છે. આ સાથે જ આ મુદ્દો અહીં પૂરો થઈ ગયો છે. હવે ક્ષત્રિય સમાજમાં કોઈ રોષ નથી. ક્ષત્રિય સમાજે માતાજીની સાક્ષીએ બે હાથ ઊંચા કરીને રૂપાલાને પોતાનો ટેકો જાહેર કરી દીધો છે. આ સાથે જ આ વિવાદ હવે અહીં સમાપ્ત થયો છે.