Rajkot: પડધરીના ખંભાળા ગામની સીમમાંથી પોલીસે સસ્તા બ્રાન્ડનો અંગ્રેજી દારૂ મિક્ષ કરી નકલી પ્રીમીયમ બ્રાન્ડના અંગ્રેજી દારૂ તરીકે વેચવાનું કારસ્તાન પકડી પાડયું છે. દરોડામાં પોલીસે રૂ.2.26 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. મુખ્ય આરોપી મનાતો દિલીપ ઉર્ફે મિથુન નાનજીભાઈ મકવાણા ભાગી જતાં તેની શોધખોળ જારી રાખી છે.
પડધરી પોલીસે બાતમીના આધારે રાત્રે ખંભાળા-સરપદડ ચોકડી પાસે દિલીપની વાડીની એક ઓરડીમાં તપાસ કરતાં કાંઈ મળ્યું ન હતું. બીજી ઓરડીમાં તપાસ કરતાં અલગ-અલગ બ્રાંડની અંગ્રેજી દારૂની 180 બોટલ મળી આવી હતી. આ સાથે પાણીનું બેરલ મળી આવ્યું હતું.
આ પણ વાંચો
પોલસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, આ સ્થળે દમણીયા તરીકે ઓળખાતા અને પ્રીમીયમ બ્રાંડના દારૂના સ્ટીકર મારી વેચાણ થતું હતું. આ રીતે રૂ.180નો અંગ્રેજી દારૂ અંદાજે રૂ. 2500માં વેચાતો હતો. રૂ.90 ની કિંમતના બે ચપલાનો દારૂ ખાલી બોટલમાં ભરી તેમાં પાણી મિકસ કરી સ્થળ પરથી વાડી વાવનાર દિલીપ મળી આવ્યો ન હતો. જયારે બે ટુ વ્હીલર મળી આવ્યા હતા. જેથી પોલીસે દિલીપ ઉપરાંત બંને ટુ વ્હીલર ધારકોને આરોપી બનાવી શોધખોળ શરૂ કરી છે.
સ્થળ પરથી પોલીસે રૂ.1.26 લાખની કિંમતની અંગ્રેજી દારૂની 180 બોટલ, બે વાહન, મોંઘી બ્રાંડના દારૂના સ્ટીકરો, ખાલી બોટલો વગેરે મળી કુલ રૂ. 2.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કારસ્તાન ખરેખર કેટલા સમયથી ચાલતું હતું. બીજા કોની-કોની સંડોવણી છે તે સહિતના મુદ્દે પડધરી પોલીસે તપાસ જારી રાખી છે.
રાજકોટ રેંજ આઈજી અશોક કુમાર યાદવ, જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચના પડધરી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ એસ.એચ.શર્મા તથા એ.એસ.આઇ. ભગીરથસિંહ માનસિંહ,ફુલદિપસિંહ નરેન્દ્રસિંહ,યુવરાજસિંહ ચંદુભા,વસંતભાઈ ઓધડભાઇ,નિકુલસિંહ હરપાલસિંહએ કામગીરી કરી હતી.
