Rajkot News: રાજકોટ જિલ્લાના વીછિંયા તાલુકાના ઓરી ગામે એક વર્ષથી ચાલી આવતી અદાવતનો ખાર રાખી વાડીએ રખોપુ કરવા ગયેલા કોળી પ્રૌઢને નિંદ્રાધિન હાલતમાં સાત શખ્સોએ પકડી રાખી ગોદડું ઓઢાડી બેરહેમીથી મારમારતા પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. ત્યારે પોલીસે પૂર્વયોજીત કાવતરું રચી સાત શખ્સો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ વિછિયા તાલુકાના ઓરી ગામે રહેતા હીરાઘસુ સંજયભાઈ ઓધવજી શિયાળ (ઉ.વ.27)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ઓરી ગામના જયંતિ ઉર્ફે જય જીવણભાઈ જમોડ અને જયંતિ પરસોતમ સરવૈયા તેમજ પાંચ અજાણ્યા શખ્સોના નામ આપ્યા છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીના પિતા ઓધવજીભાઈ શિયાળ (ઉ.વ.57) ગત તા. 13-7-23ના સાંજે જમીને વાડીએ રખોપુ કરવા ગયા હતા. અને ખાટલામાં સુતા હતા. ત્યારે મોડીરાત્રે ત્રણેક વાગ્યે સાતેય આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરું રચી ધોકા-પાઈપ સાથે વાડીએ ધસી ગયા હતા.
નિંદ્રાધિન કોળી પ્રૌઢને બે આરોપીઓએ પકડી રાખી પાંચ શખ્સો ધોકા-પાઈપ સાથે તુટી પડ્યા હતા. આ વખતે ઓધવજીભાઈએ બચાવવા માટે દેકારો કરી મુકતા એક શખ્સે પ્રૌઢને ગોદડું ઓઢાડી દીધું હતું. અને બેરહેમીથી મારમારી બંન્ને હાથ-પગ ભાંગી નાખ્યા હતા. વાડીમાં દેકારો થતા આજુબાજુમાંથી સગાસબંધીઓ દોડી આવતા હુમલાખોરો નાસી છૂટ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ઓધવજીભાઈને પ્રથમ વિછિયા બાદ રાજકોટ અને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસની પુછપરછમાં એક વર્ષ પહેલા જયંતિ ઉફે જય જીવણભાઈ જમોડના પિતા જીવણભાઈ સાથે ફરિયાદીના પરિવારને માથાકુટ થતા જીવણભાઈને મારમાર્યો હતો. જે અંગે ફરિયાદીના પરિવાર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એક વર્ષ પહેલા થયેલી માથાકુટ બાદ બંને પરિવાર વચ્ચે અદાવત ચાલી આવતી હોય પિતા પર હુમલો કરનાર ઓધવજીભાઈ રાત્રે વાડીએ રખોપુ કરવા ગયા હતા. ત્યારે એક સંપ કરી આરોપીઓએ પૂર્વ યોજીત કાવતરું રચી હત્યા કરી હોવાનું જણાવ્યું છે. આ અંગે વિછિયા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ પીએસઆઈ આઈ.ડી. જાડેજા સહિતનો સ્ટાફ ચલાવી રહ્યો છે. અને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
