Rajkot: રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. આમ છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે અને રખડતા ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની અને ઘટનાઓ પ્રકાશમાં આવી છે, ત્યારે વધુ એક બનાવમાં નવાગામ વિસ્તારમા ગાયે ઢીકે ચડાવતા ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, નવાગામમા મામાવાડી વિસ્તારમાં રહેતા હિરાભાઈ રૂખડભાઈ મેવાડા નામના 90 વર્ષના વૃદ્ધ રાતના સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાનાં ઘર પાસે હતા. આ સમયે વિફરેલી ગાયે સાથળના ભાગે ઢીક મારતા વૃદ્ધને ઇજા પહોંચી હતી. જેથી તાત્કાલિક ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વૃદ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક હીરાભાઈ મેવાડા પાંચ ભાઈમાં વચેટ હતા અને નિવૃત જીવન જીવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
