Rajkot: સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અપહરણ અને ખંડણીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે. જેમાં અપહરણ કરવામાં આવેલ મોરબીનો યુવક લાગ જોઈને કારમાંથી કૂદીને ભાગી છૂટ્યો હતો. જેના પગલે તેનું અપહરણ કરી ગયેલા આરોપીઓ ગભરાઈ ગયા હતા અને તેઓ પણ કાર રેઢી મૂકીને પલાયન થઈ ગયા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીનો રહેવાસી કેવલ પટેલ નામનો યુવક ચોટીલા બાજુના ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા અપહરણનો ભોગ બન્યો હતો. અપહરણકારોએ તેને ચોટીલા ખાતે ગોંધી રાખીને તેની પાસેથી રૂ. 50 લાખની ખંડણીની માંગણી કરી હતી. ખંડણીની રકમ જસદણની એક આંગડિયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણકર્તા આરોપીઓ કેવલ પટેલને તેની ટોયોટા કંપનીની કારમાં લઈને જસદણ આવ્યા હતા. આ કારમાં રોકડા રૂપિયા અને અમુક ડોક્યુમેન્ટ ભરેલો થેલો પણ મળી આવ્યો હતો.
આ પણ વાંચો
જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા જ કેવલ પટેલને મોકો મળતા તેણે પોતાની કારમાંથી ઠેકડો મારીને નાસી છૂટ્યો હતો. યુવકને ભાગતો જોઈને ગભરાયેલા ત્રણેય આરોપીઓ પણ કાર છોડીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ બનાવની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેવલ પટેલની કારને કબ્જે કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. આ સનસનીખેજ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા અને ચકચાર મચી ગઈ હતી.
આ ગંભીર બનાવમાં જસદણ પોલીસે હજુ સુધી કોઈ ગુન્હો નોંધ્યો નથી કે કોઈ આરોપીની ધરપકડની સત્તાવાર માહિતી આપી નથી, જેને લઈને પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.
આ અંગે જ્યારે જસદણ પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. આર.એસ.સાકરીયાનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, આ મેટર ચોટીલા પોલીસ સ્ટેશનની હતી, આપણી મેટર ન હતી. આરોપીઓને પકડવાની કાર્યવાહી ચોટીલા પોલીસ કરતી હશે. તે લોકો અહીંયા ફક્ત પૈસાની લેતી દેતી માટે જ જસદણ આવ્યા હતા. આમાં આપણે કોઈ ગુન્હો દાખલ કરવાનો ન થાય.
જોકે, સમગ્ર ઘટના જસદણની હદમાં બની હોવા છતાં ફરિયાદ ન નોંધાતા, આ બનાવ ચોટીલા પોલીસને ટ્રાન્સફર કરીને જસદણ પોલીસ દ્વારા કેસને ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે, ચોટીલા પોલીસ આ અંગે ગુન્હો દાખલ કરીને આરોપીઓની ધરપકડ માટે કેવા પગલાં લે છે.
