Rajkot: ગોંડલમાં સગીરાનો આપઘાતનો પ્રયાસ, ધુળેટી રમતી વખતે પાડોશી યુવકે પરાણે રંગ લગાવતા દોડીને બીજા માળેથી પડતું મૂક્યું

પાડોશી યુવકે રંગ ઉડાવતા સગીરાએ ઘરે ફરિયાદ કરી હતી. જેથી સગીરાના માતા-પિતાએ યુવકને ઠપકો આપતા બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી ચાલતી હતી, ત્યારે તેણીએ દોડીને ભૂસકો માર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Mar 2026 05:38 PM (IST)Updated: Thu, 05 Mar 2026 05:38 PM (IST)
rajkot-news-minor-girl-jumps-from-2nd-floor-after-neighbor-throws-color-on-her-during-dhuleti
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • ગોંડલના ગુંદાળા ગામમાં આવેલી કંપનીના બનાવથી અરેરાટી
  • સગીરાના પગ ભાંગ્યા, વધુ સારવાર અર્થે રાજકોટ રિફર કરાઈ

Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાળા ગામમાં આવેલી કંપનીમાં કામ કરતી શ્રમિક પરિવારની સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પાડોશી યુવકે મોંઢા પર કલર ઉડાડતા સગીરાને લાગી આવતા કંપનીના બીજા માળેથી કૂદકો માર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ ગુજરાત સ્પીનિંગ કંપનીની કોલોનીમાં રહેતી 15 વર્ષીય સગીરા ગઈકાલે ધુળેટીના દિવસે પોતાના ઘરે હતી. આ દરમિયાન બપોરે 3 વાગ્યાની આસપાસ સગીરાએ કંપનીની કોલોનીમાં બીજા માળેથી પડતું મૂક્યું હતુ.

આથી સગીરાના પગ ભાંગવા સાથે શરીરના ભાગે ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ગોંડલ સિવિલમાં પ્રાથમિક સારવાર બાદ સગીરાને રાજકોટ સિવિલમાં રિફર કરવામાં આવી હતી. આ બનાવ અંગે રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરીને સગીરાનું નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.

બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી વચ્ચે સગીરા દોડીને કૂદી પડી

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, સગીરાનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો વતની છે. તેના પિતા કારખાનામાં મજૂરી કરે છે. ધુળેટીના દિવસે સગીરા બપોરે કારખાનાની કોલોનીમાં ધુળેટી રમતી હતી. આ સમયે પાડોશમાં રહેતા એક પરપ્રાંતિય યુવકે સગીરાને પકડીને તેના ચહેરા અને શરીર પર રંગ ઉડાડ્યો હતો.

આથી સગીરાએ ઘરે જઈને પોતાના પરિવારને ફરિયાદ કરી હતી. જેને પગલે સગીરાના માતા-પિતાએ પાડોશી યુવકને બોલાવીને ઠપકો આપ્યો હતો. આ બાબતે બન્ને પક્ષે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન સગીરાએ દોડીને કોલોનીના બીજા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પોલીસ આ સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.