Rajkot: રીબડામાં અમિત ખૂંટના આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ સમગ્ર મામલે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચે ચાલતા વિવાદમાં રાજકીય રંગ ઉમેરાયો છે. રાજકીય માહોલ ગરમ થતાં હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં આવતીકાલે કલેક્ટરે આવેદનપત્ર આપવા અઢારે વર્ણને ભેગા થવા માટેનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હૈશટેગ #WeSupportRajdeepSinhRibda અને 'હમ સબ સત્ય કે સાથ હૈ', 'હમ સબ એક હૈ, હમ સબ નેક હૈ'ના નામે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થયા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ખોટી ફરિયાદ દાખલ કરી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાને બદનામ કરવામાં આવી રહ્યાં છે. જેના વિરોધમાં તમામ અઢારે વરણના ભાઈઓને આવતીકાલે 7મી મેના રોજ કલેક્ટર કચેરી ખાતે અનિરુદ્ધસિંહ અને રાજદીપિસંહના સમર્થનમાં આવેદનપત્ર આપવા જવાનું છે.
અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના સમર્થનમાં વાયરલ થયેલા મેસેજમાં સવારે 9 કલાકે રીબડા ભેગા થયા બાદ ત્યાંથી રાજકોટ કલેક્ટર ઑફિસ ખાતે પહોંચી 11 કલાકે આવેદનપત્ર આપવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે.
આ સિવાય અન્ય એક મેસેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં રાજદીપસિંહના સમર્થન સાથે આ રાજકીય ષડયંત્ર છે. ગોંડલ અને ગુજરાતના ભાઈઓ અને બહેનો તથા મિત્રોનો અતૂટ વિશ્વાસ છે, જે ક્યારેય તૂટશે નહીં તેવો મેસેજ ફરતો થયો છે.
