Rajkot: રાજકોટ શહેરના ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ નજીક આજે વહેલી સવારે મહેસાણા પોલીસની વાન ધડાકાભેર દીવાલમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. મહેસાણા પોલીસ આરોપીને લઈ વંથલી કોર્ટમાં મુદતે લઈ જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. જેમાં ડ્રાઈવર-હેડ કોન્સ્ટેબલને ઈજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, પીસીઆરમાં હાજર પોલીસનો સ્ટાફ પીધેલી હાલતમાં હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી.
આ પણ વાંચો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં એક પોલીસ વાન રોડની સાઈડમાં આવેલી દુકાનની દીવાલમાં ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થયા હતાં.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, પોલીસ વાનમાં હાજર સ્ટાફ ચિક્કાર પીધેલી હાલતમાં હતો. આ અકસ્માતમાં મહેસાણા પોલીસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ચંદુજી ચાવડા (ઉ.57) અને પોલીસવાનનો ચાલક અનુપ લવજીભાઈ (ઉ.40) ઈજાગ્રસ્ત થતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં જૂનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતો ગુજસીટોકનો આરોપી વિપુલ સુરાભાઈને વંથલી કોર્ટમાં મુદત હોવાથી મહેસાણા પોલીસના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ, કોન્સ્ટેબલ મહેશભાઈ અને ડ્રાઈવર અનુપ આરોપી વિપુલને લઈ વંથલી કોર્ટમાં મુદતે જતાં હતાં. આ સમયે ગોંડલ ચોકડી પાસે ઓવરબ્રિજ નીચે આગળ જતી કારની સાઈડ કાપવા જતાં પોલીસવાનમાંથી કંઈક અવાજ આવતાં ચાલક નીચે જોવા જતાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં વાન દીવાલમાં ઘુસી ગયાનું જણાવ્યું હતું. જો કે સ્થાનિક લોકો દ્વારા પોલીસ સ્ટાફ પીધેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં પીધેલા પોલીસ કોન્સ્ટેબલની ધમાલ
ગત મહિને વડોદરા શહેરના વરણામા પોલીસ સ્ટેશનમાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અમિત પરમારે (27) નશામાં ધૂત થઈને ધમાલ મચાવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પોતાની નોકરી પૂરી કર્યાં બાદ અમિત પરમાર ચિક્કાર પીધેલી હાલતમાં સ્થાનિકોને ગાળો ભાંડીને જીભાજોડી કરતો હતો. આ દરમિયાન કોઈ સ્થાનિકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.
