Rajkot Suicide: રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રેમલગ્નના 18 વર્ષ બાદ પરિણીતા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાનો અને તેને આત્મહત્યા કરવા મજબૂર કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
રામપાર્ક શેરી નંબર 4, રીંગરોડ બાયપાસ ખાતે પોતાના ભાઈના ઘરે રહેતી શીતલબેન વિશાલભાઈ પરમારે (36) પોતાના પતિ વિશાલ અમરશીભાઈ પરમાર અને સાસુ લાભુબેન અમરશીભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોતાની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, શીતલ પરમારે આશરે 18 વર્ષ પહેલાં વિશાલ પરમાર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ આશરે 13 વર્ષ સુધી સંયુક્ત પરિવારમાં રહેતાં શીતલબેન કારખાનામાં મજૂરી કામ કરીને પોતાનો તમામ પગાર સાસુને સોંપી દેતા હતા. જો કે આ પ્રેમલગ્ન સાસુ લાભુબેનને પ્રથમથી જ મંજૂર ન હોવાથી અવારનવાર ગૃહકલેશ ઊભો કરવામાં આવતો હતો. જો શીતલ કામે ન જાય તો તેમને જમવાનું પણ આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરાયો છે.
'વનતારા' અને ઈન્ડોનેશિયા સરકાર વચ્ચે ઐતિહાસિક ભાગીદારીઃ વન્યજીવોના સંરક્ષણ માટે 10 મોબાઈલ હોસ્પિટલ્સ અને અદ્યતન એલિફન્ટ હોસ્પિટલ શરૂ કરાશે
શીતલ પોતાના પતિ સાથે અલગ મકાનમાં રહેવા ગયા બાદ પણ સાસુની દખલગીરી ચાલુ રહી હતી. ગત દિવાળીના સમયથી એટલે કે 20 ઓક્ટોબર 2025થી પતિ વિશાલે નાની-નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું. પતિ ઘરખર્ચ માટે પૈસા આપતો ન હતો અને અવારનવાર દારૂ પીને ઘરે આવીને શીતલબેન સાથે મારકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો.
હવે તને મારી જ નાંખવી છે, કહીને પતિ ઘર છોડીને જતો રહ્યો
આ દરમિયાન સાસુ લાભુબેન પોતાના પૌત્રને ફોન કરીને શીતલબેનની કમાણી અંગે વિગતો પૂછ્યા કરતા હતા અને પતિને શીતલબેન વિરુદ્ધ સતત ખોટી ચડામણી કરતા હતા.
ગત 17 મે 2026ના રોજ પતિ વિશાલે દારૂના નશામાં આવી શીતલબેન પર હુમલો કરી 'હવે તને મારી જ નાખવી છે' તેવી ધમકી આપીને ઘર છોડીને જતો રહ્યો હતો અને ત્યારબાદ પરત આવ્યો ન હતો. પતિ ઘર છોડીને ચાલ્યો ગયા બાદ શીતલબેન પોતાના બે પુત્રો ઝૈનિથ (17) અને વંશ (11)ના પાલનપોષણ માટે બ્યુટી પાર્લરનું કામ કરતા હતા.
બ્યુટી પાર્લરના વ્યવસાય માટે તેમને પર્સનલ લોનની જરૂરિયાત હતી. તેમણે અગાઉ ખરીદેલા એક્ટિવા વાહનમાં પતિનો મોબાઇલ નંબર રજિસ્ટર્ડ હોવાથી બેંક લોન પ્રક્રિયા માટેનો OTP પતિના ફોનમાં જતો હતો. આ OTP મેળવવાના કામ અર્થે તા. 20 ઓગસ્ટ 2026ના રોજ બપોરે ચાર વાગ્યા આસપાસ શીતલબેન શિવધારા સોસાયટી શેરી નં. 1 સ્થિત પોતાના સાસુના ઘરે ગયા હતા. જ્યાં સાસુ લાભુબેને તેમને અતિશય ગાળો આપી 'તું મરી કેમ જતી નથી' કહી ભારે અપમાનિત કર્યા હતા. સાસુના કડવા વેણ અને પતિના સતત ત્રાસથી કંટાળીને શીતલબેને ત્યાં જ રાખેલ ફિનાઇલ પી લીધું હતું.
