'તારા સમ ખાવ છું, હું કુંવારો છું..'- કહી સોખડાના પરિણીત ઢગાએ સગીરાનું શિયળ લૂંટ્યું, લગ્નનું કહેતા બોલ્યો- 'મારું ઘર થોડું ભાંગી નાંખુ'

આરોપીનો મિત્ર સગીરાને બાઈક પર બેસાડી મૂકવા જઈ રહ્યો હતો, ત્યારે જ રિક્ષા લઈને જતાં તેના પિતાએ પીછો કરીને પકડી પાડ્યા બાદ દીકરીની પોલ ખુલી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Sep 2025 06:46 PM (IST)Updated: Fri, 26 Sep 2025 06:46 PM (IST)
rajkot-news-married-man-from-sokhada-rape-on-teenage-girl-father-caught-both
HIGHLIGHTS
  • ઈન્સ્ટાગ્રામ થકી નરાધમ શખ્સ પરણિત હોવાની જાણ થતા સગીરા ભાંગી પડી
  • દોઢ વર્ષથી અલગ-અલગ જગ્યાએ લઈ જઈ આરોપી પોતાની હવસ સંતોષતો

Rajkot: કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતાં એક પરણેલા શખ્સે પોતે કુંવારો છે, તેમ કહી 17 વર્ષની સગીરાને ફસાવી હતી. જે બાદ હું તારી સાથે જ લગ્ન કરવાનો છું, તારા સમ ખાવ છું તેમ કહી તેણીનો દેહ પીંખી લીધો હતો. આ ઘટનામા પોલીસે ભોગ બનનાર 17 વર્ષની સગીરાના માતાની ફરિયાદ પરથી રાજકોટના નવાગામ નજીકના સોખડા ગામે રહેતાં વિશાલ રામભાઇ મકવાણા વિરૂદ્ધ બળાત્કાર-પોક્સો હઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ મામલે ભોગ બનનાર સગીરાની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ ગત 3/9ના રોજ રિક્ષા લઇને મોરબી રોડ જૂના જકાતનાકા પાસેથી નીકળ્યા, ત્યારે મારી 17 વર્ષની દીકરીને એક છોકરા સાથે બાઇક પર જતાં જોઇ હતી. આથી મારા પતિએ તેનો પીછો કરી બાઇક ઉભુ રખાવ્યું હતું, પરંતુ તેણે બાઇક ઉભુ રાખ્યું નહોતું. આની જાણ મારા પતિએ મને કરી હતી. જે બાદમાં મેં દીકરીને આ બાબતે પૂછતાં તેણીએ સમગ્ર હકીકત જણાવી હતી.

મારી દીકરીએ જણાવ્યું હતું કે, હું કારખાને કામે જતી હતી, ત્યાં નજીકમાં વિશાલ મકવાણા નામનો છોકરો વાઇબ્રેટનું કામ કરે છે. વિશાલ ત્રેવીસ વર્ષનો છે. તેની સાથે હું ત્રણ વર્ષ પહેલા સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં અમે સામાન્ય વાતચીત કરી હતી. જે બાદ એકબીજાના મોબાઇલ નંબરની આપલે કરી હતી અને વ્હોટ્સએપ પર વાત કરતાં હતાં. આ વાતચીત દરમિયાન અમે એકબીજાના પ્રેમમાં પડયા હતાં.

વિશાલને ત્યારે મેં પુછેલુ કે, તારા લગ્ન થયા છે કે કેમ? ત્યારે તેણે પોતે કુંવારો હોવાનું કહ્યું હતું. તેમજ તે મારી સાથે જ લગ્ન કરશે તેમ વારંવાર કહેતો હતો. તેમજ મારા સમ ખાઇને કહ્યું હતું કે, હું તારી સાથે જ પરણીશ. આથી મને તેના પર વિશ્વાસ હતો.

આ પછી આજથી દોઢેક વર્ષ પહેલા વિશાલ મને તેના ઓળખીતાની વાડીએ લઇ ગયો હતો, જ્યાં મારી સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. આ પછી આજથી પાંચેક મહિના પહેલા તે ફરી સોખડાની એક વાડીએ લઇ ગયો હતો ફરીથી સંબંધ બાંધ્યો હતો. બે મહિના અગાઉ મેં ઇન્સ્ટાગ્રામ આઇડીમાં જોતાં વિશાલ મકવાણાનું આઇડી દેખાયું હતું. તે જોતાં તેમાં તેના એક યુવતી સાથે ફોટા હતાં.

આ યુવતી કોણ છે? તે અંગે વિશાલને પુછતાં તેણે કબુલ્યું હતું કે, એ મારી પત્ની છે. જેથી મેં તેને તારા લગ્ન થઇ ગયા છતાં કેમ મને ખોટુ બોલી લગ્નની લાલચ આપી? તેમ પુછતાં તેણે કહેલું કે હું તેને છુટાછેડા આપીને તારી સાથે લગ્ન કરવાનો છું.

આ પછી ગત 28મીએ ઘરે કોઇ ન હોઇ વિશાલ રાતે આવ્યો હતો અને ફરીથી શરીર સંબંધ બાંધ્યા હતાં. હજુ પણ વિશાલ મને અપનાવવા તૈયાર છે અને મારે તેની સાથે જ લગ્ન કરવા છે. જે છોકરાને પપ્પાએ મારી સાથે જોયો તે વિશાલનો મિત્ર છે અને તે મને ઘરે મુકવા આવતો હતો.

આ પછી અમે મારી દીકરી જ્યાં કામે જતી હતી તે કારખાનેદાર મારફત વિશાલ અને તેના પિતાને બોલાવ્યા હતાં. વિશાલને અમે પુછેલુ કે, તારે અમારી દીકરી સાથે લગ્ન કરવા છે? ત્યારે તેણે કહેલું કે મારા લગ્ન થઇ ગયા છે. તમારી દીકરી માટે હું મારુ ઘર થોડુ ભાંગી નાંખુ? વિશાલે મારી દિકરીની જિંદગી બગાડી હોઇ અમે અંતે ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું.