Rajkot: ઈન્દિરા સર્કલ નજીક અકસ્માત બાદ સિટી બસના ડ્રાઈવરોએ લોકોના રોષનો ભોગ ન બનવું પડે તે માટે એજન્સી ઉપર જવાબદારી ઢોળી હતી. જો કે બેઠક દરમિયાન એજન્સીના અધિકારીઓએ ડ્રાઈવરોને સાથ ન આપતા ગઈકાલે 25થી વધુ ડ્રાઈવરોએ રાજીનામાં આપી દીધા હતાં. જ્યારે ગઈકાલે સાંજથી અનેક રૂટના ડ્રાઈવરોએ આ મામલે નીવેડો ન આવે ત્યાં સુધી નોકરી છોડવાના બદલે રજા ઉપર ઉતરી જવાનું મુનાસિબ સમજતા અનેક ડ્રાઈવરો કોઈના કોઈ બહાને રજા ઉપર ઉતરી ગયા હતા. જેના પરિણામે આજે સવારથી પ્રથમ શેડ્યુલમાં જ અનેક રૂટ પર સિટી બસ સેવા ખોરવાઈ ગઈ હોવાનું જાણવા મળેલ છે.
મનપાના સુત્રોના જણાવ્યા મુજબ, ગઈકાલે ડ્રાઈવરોએ રાજીનામા આપી દેતા 25 બસના રૂટ બંધ રહ્યા હતાં. જેની સામે ગઈકાલે સાંજથી અમુક ડ્રાઈવરોએ રજા રિપોર્ટ મુકવાનું શરૂ કર્યુ હતું. અકસ્માત પ્રકરણમાં જવાબદારી કોની ફિક્સ થાય તેનો નિવેડો આજ સુધી તંત્ર અને એજન્સી દ્વારા લાવવામાં આવ્યો નથી. જેના કારણે ડ્રાઈવરો મુંઝવણમાં મૂકાઈ ગયા છે.
આ પણ વાંચો
રાજીનામું આપ્યા બાદ ફરી વખત નોકરી માટે ફાફા મારવા પડેતેવી સ્થિતિનું સર્જન ન થાય એટલા માટે અનેક સમજુ ડ્રાઈવરોએ માંદગી સહિતના બહાના હેઠળ રજા રિપોર્ટ મૂકવાનું શરૂ કર્યુ છે. જેના લીધે આજે સવારથી 6 વાગ્યાના શિડ્યુલમાં દોડતી અનેક સિટી બસ ડેપોમાં જોવા મળી હતી.
આ બાબતે તપાસ કરતા માલુમ પડેલ કે, મુખ્યત્વે મોટા રૂટ ઉપર દોડતી સિટી બસના અનેક ડ્રાઈવરો રજા ઉપર ઉતરી ગયા છે. જેના સ્થાને નવો ડ્રાઈવર તાત્કાલીક લગાવવો મુશ્કેલ હોય અમુક રૂટ ટૂંકાવી નાખવામાં આવ્યા છે અથવા જે રૂટ ઉપર વધુ બસ દોડતી હોય ત્યાંથી આ બસોને બંધ થયેલા રૂટો પર દોડાવવામાં આવી રહી છે. આ મુદ્દે અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા ફરી વખત એજન્સી સાથે મિટિંગ યોજાઈ તેવું લાગી રહ્યું છે. છતાં આજે અનેક ડ્રાઈવરો રજા ઉપર ઉતરી જતાં સેંકડો રૂટ ઉપર દોડતી બસોના થપ્પા ડેપોમાં જોવા મળ્યા હતાં. જેના લીધે મુસાફરોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
