Rajkot Bus Accident: રાજકોટ શહેરમાં ગત 10 નવેમ્બરના રોજ ચુનારવાડ ચોક પાસે ટુ-વ્હીલર પર એક મહિલા રોડ ક્રોસ કરતી હતી. મહિલાથી ગાડીને બ્રેક ન લાગતા તે સિટી બસની અડફેટે આવી ગઈ, જેના કારણે મહિલાને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી. આ બાબતે મહિલાએ પોલીસ ફરિયાદ ન નોંધાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ, ગત 10 નવેમ્બરના ડ્રાઈવર રમેશભાઈ સોલંકી આજીડેમથી સિટી બસ લઈને પરાપીપળીયા જતા હતા. ત્યારે ચુનારાવાડ ચોક પાસે પહોંચતા સામેની તરફથી ટુ વ્હીલર પર રોડ ક્રોસ કરી રહેલા મહિલા અચાનક આવતા સિટી બસની હડફેટે આવી ગયા હતા.
આ અકસ્માતમાં મહિલાને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી. જે બાદ ત્યાં લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. જોકે મોટી જાનહાની ન થઈ હોવાથી ટોળું વિખેરાઈ ગયું હતું. બીજી તરફ આ બાબતે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ રાજપથ લિમિટેડના મેનેજર પરેશ અઢિયાએ સંપૂર્ણ માહિતી આપી હતી.
મેનેજરે જણાવ્યું હતું કે, ગઈકાલે 10 નવેમ્બરના બપોરે 3 વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો. જોકે તેમાં સિટી બસના ચાલકનો કોઈ વાંક ન હોવાનું CCTV કેમેરામાં દેખાઈ રહ્યું છે. આ બાબતે જેની સાથે અકસ્માત થયો તે ટુ વ્હીલર ચાલક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સમગ્ર બનાવ બસની અંદર લાગેલા કેમેરામાં રેકોર્ડ થયો છે.
