Rajkot: આર્થિક ભીંસથી કંટાળી યુવકે સસરાના ઘરે લોખંડની એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાધો, સવારે પુત્રી ઉઠાડવા જતાં પિતાનો મૃતદેહ લટકતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 11 Apr 2024 09:33 PM (IST)Updated: Thu, 11 Apr 2024 09:33 PM (IST)
rajkot-news-man-commint-suicide-by-hang-him-self-at-in-laws-home

Rajkot: શહેરના સદર બજાર વિસ્તારમાં સસરાના ઘરે રહેવા આવેલા સાયલા પંથકના યુવાને કામ ધંધો ના મળતા આર્થિક ભીંસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. સવારે પુત્રી ઉઠાવડા જતાં પિતાનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ સાયલા તાલુકાના કેરાળા ગામના વતની અને હાલ સદરબજારમાં ઠક્કરબાપા હરિજનવાસ શેરી નં.5માં રહેતા વિનોદ કાનાભાઈ બારૈયા (ઉ.30) નામના યુવાને ગત મોડી રાત્રે પોતાના સસરાના ઘરે ઓરડીમાં લોખંડના એંગલ સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારે તેની પુત્રી ઓરડીમાં ઉઠાડવા માટે ગઈ, ત્યારે પિતાનો લટકતો મૃતદેહ જોઈ હતપ્રભ બની ગઈ હતી. આ અંગે પરિવારને જાણ થતાં તેઓ દોડી આવ્યા હતાં. બનાવની જાણ થતાં પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદ બે ભાઈમાં નાનો અને તેને સંતાનમાં પાંચ દીકરી હોવાનું જાણવા મળ્યું છે. મૃતકને દારૂ પીવાની કુટેવ હતી અને કામ ધંધો નહીં મળતાં છેલ્લા પંદર દિવસથી પરિવાર સાથે સસરાના ઘરે આવી ગયો હતો. જો કે અહિં પણ કામ ધંધો મળતો નહીં હોવાથી આર્થિક ભીંસમાં આવી જઈ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પાંચ પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

બીજા બનાવમાં શહેરની ભાગોળે ગોંડલ રોડ પર કોઠારીયા સોલવન્ટમાં આવેલા હાઉસિંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા સુનિલ ઉમેશભાઈ સોલંકી (ઉ.32) નામના યુવાને ગતરાત્રે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એચ.એમ.ધરજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બે ભાઈમાં મોટો અનેં તેને સંતાનમાં બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. તેણે એક વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતાં. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.