Rajkot: વીંછિયાના થોરિયાળી ગામે હત્યાનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો

લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનને ચાર શખ્સોએ કૂહાડી અને ધોકાના ઘા ઝીંકીને રહેંસી નાંખ્યો હતો. મુખ્ય સુત્રધારને પકડવા પોલીસની 8 ટીમો ધંધે લાગી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 01 Jan 2025 06:29 PM (IST)Updated: Wed, 01 Jan 2025 06:29 PM (IST)
rajkot-news-main-accused-of-murder-in-veenchiana-thoriyali-village-is-away-from-the-police
HIGHLIGHTS
  • કોળી યુવાનની હત્યા બાદ વીંછિયામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Rajkot: રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના થોરિયાળી ગામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરનાર કોળી યુવાનની ચાર શખ્સોએ કૂહાડી અને ધોકાના ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનાં બનાવના બીજા દિવસે મૃતકના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. હત્યાનો મુખ્ય આરોપી હજુ સુધી પોલીસ પકડથી દૂર છે. જયારે બે શખ્સોને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધા છે. હત્યાના બનાવ બાદ સમગ્ર ગામમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સતત બીજા દિવસે ભરેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૂત્રધારને પકડવા ગ્રામ્ય પોલીસની 8 ટીમો કામે લાગી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, થોરીયાળી ગામના ઘનશ્યામ શિવાભાઈ રાજપરાની હત્યા અંગે તેના નાના ભાઈ લક્ષ્મણભાઈ શિવાભાઈ રાજપરાની ફરિયાદના આધારે પોલીસે શેખાભાઈ ગભરુભાઈ સાંબડ અને તેની સાથેના અજાણ્યા એક મળી કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે. જ્યારે સુત્રધાર સહિતની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ બનાવ અંગે થોરિયાળી ગામના લખમણભાઈ શિવાભાઈ રાજપરાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમના નાનાભાઈ ઘનશ્યામની શેખાભાઈ ગભરુભાઈ શાંભળ સહિતના શખ્સોએ હત્યા કરતા સમગ્ર વિછીયા પંથકમાં સનસનાટી મચી ગઈ હતી.

મોટાભાઈ ઘનશ્યામની હત્યા અંગે લખમણભાઈએ જણાવ્યું હતું કે, ઘનશ્યામ બોટાદ રોડ ઉપર ભરતભાઈના ગેરેજ ખાતે આઈસર વાહન રિપેરીંગનું કામ કરવા ગયા, ત્યારે શેખા સાંભળ અને તેની સાથે આવેલા શખ્સોએ કૂહાડી અને ધોકા વડે તેના પર હુમલો કર્યો હતો. જેમાં ઘનશ્યામભાઈનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મોત થયું હતુ.

પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ ગૌચરની જમીનમાં 10 વર્ષથી ચાલતો વિવાદમાં કરણભૂત હોવાનું ખુલ્યું હતું. થોરિયાળી ગામના ઘનશ્યામ રાજપરાએ ગૌચરની જમીન બાબતે લેન્ડ ગ્રેબિંગની અરજી કરી હતી. જયારે આરોપી પક્ષે પણ ઘનશ્યામ વિરુદ્ધ સામી ફરિયાદ નોંધાવી હતી. ઘનશ્યામ રાજપરાની હત્યાના બનાવ બાદ પરિવારે મૃતદેહ સંભાળવાનો ઇનકાર કર્યો હતો. ઘનશ્યામને મોતને ઘાટ ઉતારી દીધાના બનાવથી ભારે ચકચાર જાગી છે. વિછિયાના થોરિયાળી ગામે કોળી યુવાનની હત્યા બાદ પરિવારજનોએ લાશ સંભાળવાનો ઈનકાર કરી દીધો હતો જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય અને જાહેરમાં સરઘસ નહીં નીકળે ત્યાં સુધી લાશની અંતિમવિધિ કરવામાં નહીં આવે. કોળી પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરતા પોલીસે પણ આરોપીઓને પકડવા અલગ અલગ 8 ટીમો બનાવી દરોડા પાડ્યા હતાં.

જો કે પોલીસને હજુ સુધી બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જ્યારે હત્યાના મુખ્ય આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે, ત્યારે આજે બીજા દિવસે પણ સમગ્ર વિછીયા પંથકમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી છે. ગ્રામ્ય એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા સહિતનો સ્ટાફ વિછિયા ખાતે દોડી ગયો હતો આ બનાવ બાદ હાલમાં સમગ્ર ગામમાં તકેદારીના ભાગરૂૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

આ બનાવને પગલે સમગ્ર વિછિયા પંથકમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ મામલે વિછિયા બંધનું એલાન આપ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હત્યાના બનાવ બાદ આક્રોશપૂર્ણ વિછિયામાં વેપારીઓએ બંધ પાડ્યું હતું અને આ હત્યાના બનાવનો ભારે વિરોદ્ધ સાથે રોષ પૂર્વક રજૂઆત પણ કરી હતી. આજે બીજા દિવસે પણ આ બનાવને લઇને ભારે તંગદીલી જોવા મળી રહી છે.