Rajkot: જસદણ જૂનાગઢના ભારતી આશ્રમના પૂર્વ લઘુમહંત મહાદેવભારતી બાપુ 10 દિવસના ટૂંકા ગાળામાં જ બીજીવાર ગુમ થઈ ગયા હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ભારતી આશ્રમના મહંત દ્વારા તેમને તમામ હોદ્દા પરથી દૂર કરાયા બાદ હોસ્પિટલમાંથી રજા મળતાં તેઓ જસદણ તાલુકાના સાણથલી ગામ ખાતે પોતાના ભાઈના ઘરે રોકાયા હતા, જ્યાંથી તેઓ કોઈને કહ્યા વિના નીકળી ગયા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હાદેવભારતી બાપુએ 2 નવેમ્બરે સુસાઈડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા બાદ 5 નવેમ્બરે જૂનાગઢના જંગલમાં ઈટવા ઘોડી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળ્યા હતા. જ્યાં સારવાર બાદ તેમને ડિસ્ચાર્જ કરાતાં તેઓ ભાઈ જિતુભાઈના ઘરે સાણથલી ગયા હતા.
મહાદેવભારતીના ભાઈ જિતુભાઈએ આપેલી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના બગસરા નજીક આવેલા ખીજડિયા ગામના વતની એવા તેમના માતા-પિતા, બે બહેનો અને અન્ય સગાં-સંબંધીઓ પણ તેમને સમજાવવા માટે સાણથલી આવ્યા હતા.પરિવારના તમામ સભ્યોએ બાપુને ભેગા મળીને 'જે થયું એ ભૂલી જાઓ અને સુખેથી જિંદગી જીવો' તેમ કહીને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન માતા અને બહેનો ખૂબ રોયાં હતાં.
ભારતી આશ્રમના મહંત હરિહરાનંદે અગાઉ જ મહાદેવભારતીને તમામ પદ પરથી દૂર કરીને આશ્રમને તેમની સાથે કોઈ લેવાદેવા ન હોવાની જાહેરાત કરી દીધી હતી. હવે પૂર્વ લઘુમહંતના ફરી ગુમ થવાના કારણે સંત સમાજ અને તેમના સેવકોમાં ચિંતાનો માહોલ છે.
