Rajkot News: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ એજન્સીઓ બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ અને ગેસના પુરવઠામાં મોટી અછત સર્જાવાની ભ્રામક અફવાઓ વાયુવેગે ફેલાતા લોકોમાં ભારે ગભરાટ (Panic) ફેલાયો છે. આ અફવાઓને કારણે લોકોએ જરૂરિયાત ન હોવા છતાં એકસાથે બુકિંગ કરવાનું શરૂ કરતા ઓનલાઈન સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે અને સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે.
અફવાઓનું બજાર ગરમ: લોકોમાં ભયનો માહોલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી વાતો વહેતી થઈ હતી કે, વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે આગામી દિવસોમાં ગેસનો પુરવઠો બંધ થઈ જશે. આ સમાચાર સાંભળતા જ જેતપુરના નાગરિકો પોતપોતાની ખાલી બોટલો લઈને એજન્સીઓ પર દોડી આવ્યા હતા. ગ્રાહકોનો આરોપ છે કે ઓનલાઈન બુકિંગ સિસ્ટમ કામ કરી રહી નથી અને જ્યારે તેઓ રૂબરૂ જાય છે ત્યારે તેમને 10 થી 15 દિવસ પછી બાટલો મળશે તેવા જવાબો મળે છે.
ઓનલાઈન બુકિંગમાં ધાંધિયા
ગ્રાહકોની સૌથી મોટી ફરિયાદ ઓનલાઈન સિસ્ટમને લઈને છે. અનેક ગ્રાહકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમે રાત્રે મોડે સુધી જાગીને ઓનલાઈન બુકિંગનો પ્રયાસ કરીએ છીએ, પણ સર્વર કનેક્ટ થતું નથી. કોઈ કોલ ઉપાડતું નથી અને બુક લઈને જઈએ તો કહે છે કે મેસેજ આવે પછી જ બાટલો મળશે." તેમજ મજૂરી કરતા અને સામાન્ય વર્ગના લોકો પોતાનો કામધંધો છોડીને ગેસ બુક કરાવવા માટે રઝળી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો ૧૫ દિવસ પછી માલ મળશે તો ત્યાં સુધી રસોડા કેવી રીતે ચલાવવા?
એજન્સી સંચાલકોનો ખુલાસો
ગ્રાહકોના રોષ વચ્ચે જ્યારે જેતપુરની ગેસ એજન્સીઓના સંચાલકો સાથે વાત કરવામાં આવી, ત્યારે તેમણે પરિસ્થિતિ માટે માત્ર અફવાઓને જવાબદાર ઠેરવી હતી.
- નિયમિત સપ્લાય: એજન્સીના જણાવ્યા મુજબ, પુરવઠો એકદમ નિયમિત છે અને રોજ એક ગાડીનો સપ્લાય આવે જ છે. ગેસની કોઈ જ વાસ્તવિક અછત નથી.
- ટેકનિકલ સમસ્યા: સર્વર ડાઉન થવાનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે, "ઓનલાઈન સર્વરની ક્ષમતા 80 લાખ બુકિંગની હોય છે, પરંતુ અફવાઓને કારણે અત્યારે કરોડો લોકો એકસાથે બુકિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને કારણે સિસ્ટમ જામ થઈ ગઈ છે."
- ડિલિવરી ચાલુ: એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઘરે બેઠા ગેસની ડિલિવરી ચાલુ જ છે અને લોકોએ ખોટા ગભરાટમાં આવવાની જરૂર નથી.
તંત્રની અપીલ:
સ્પષ્ટ થાય છે કે જેતપુરમાં ગેસની કોઈ વાસ્તવિક અછત નથી, પરંતુ અફવાઓએ સિસ્ટમને ખોરવી નાખી છે. તંત્ર અને એજન્સીઓએ લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર આવતી ભ્રામક પોસ્ટ્સ પર વિશ્વાસ ન કરે. પેનિક બુકિંગ કરવાથી ખરેખર જેમને જરૂર છે તેમને મુશ્કેલી પડી રહી છે. લોકો શાંતિ જાળવે અને અફવાઓથી દૂર રહે.
