Rajkot: લોધિકામાં પ્લોટની બારોબાર હરાજી કરી નાંખનાર મહિલા સરપંચ સસ્પેન્ડ, આખરે હોદ્દા પરથી પણ દૂર કરાયા

મહિલા સરપંચને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ તેનો જવાબ પણ સમયમર્યાદામાં રજૂ નહતો કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 May 2025 10:43 PM (IST)Updated: Fri, 16 May 2025 10:43 PM (IST)
rajkot-news-lodhika-gram-panchayat-woman-sarpanch-suspend
HIGHLIGHTS
  • 2023માં 14 પ્લોટની હરાજી કરી નાંખતા કાર્યવાહી થઈ

Rajkot: લોધિકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ગામ તળના પ્લોટની સતા બહાર હરાજી કરી નાંખતા હોદા પરથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરી નાખતા ખળભળાટ મચી ગયો છે.

જિલ્લા પંચાયત કચેરી દ્વારા કરાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ, લોધિકા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સુધાબેન કિશોરભાઈ વસોયાએ પોતાની સતાનો દુરપયોગ કરી અને સતામાં નહી આવતા હોવા છતાં પણ લોધિકાના ચાંદલીનાકા વિસ્તારમાં આવેલ જૂના ગામતળના પ્લોટ નં. 7એ, 7બી, 7સી, 8એ, 8બી, 8સી, 8ડી, 8ઈ, 8એફ, 10એ, 11એ, અને થોરડી રોડ પર આવેલ નવા ગામતળના પ્લોટ નં. 6/1, 6/2, એમ કુલ 14 જેટલા પ્લોટની 28/11/2023માં હરાજી કરી નાખવામાં આવી હતી.

આ બાબતની અરજી મુકેશભાઈ પરસોતમભાઈ કમાણી દ્વારા કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમ સામે મહિલા સરપંચ દ્વારા ઉચ્ચ કક્ષાએ અરજી કરતા વિકાસ કમિશનર દ્વારા સસ્પેન્ડના ઓર્ડર પર સ્ટે મુકી અને મહિલા સસ્પેન્ડને સાંભળવા માટે સૂચના કરતા જિલ્લા પંચાયત દ્વારા રજૂઆતની તક આપવામાં આવી હતી. જેમાં મહિલા સરપંચની રજૂઆતને સાંભળ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હોદા પરથી દૂર કરવાનો ઓર્ડર કરવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે.

મહિલા સરપંચને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, પરંતુ તેનો જવાબ પણ સમયમર્યાદામાં રજૂ નહી કરતા તા. 21 એપ્રિલ 2025ના રોજ સુનવણી કરવામાં આવી હતી. જેમાં પક્ષકારોની રજૂઆત અને દલીલોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સરપંચ પાસે ગામતળના પ્લોટની હરાજી કરવાની સ્વતંત્ર સત્તા નહી હોવા છતાં સતાનો ગેરપયોગ કર્યાનું સામે આવતા જિલ્લા પંચાયત દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.