Mango Price In Talala: કેસર કેરીને નડ્યો કમોસમી વરસાદ, તાલાલા યાર્ડમાં 22,300 બૉક્સની વિક્રમી આવક, સામે ભાવ પણ ગગડ્યા

છેલ્લા કેટલાક દિવસથી તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીના બોક્સની દૈનિક આવકમાં નિરંતર વધારો થઈ રહ્યો છે.જ્યારે ભાવ પણ સતત ઘટી રહ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 16 May 2025 10:12 PM (IST)Updated: Fri, 16 May 2025 10:12 PM (IST)
mango-price-today-in-talala-may-16-2025-latest-mango-market-rates
HIGHLIGHTS
  • કમોસમી વરસાદથી કેસર કેરીની સોડમ અને સ્વાદ હણાયા

Mango Price In Talala: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે પડી રહેલા કમોસમી વરસાદનું ગ્રહણ ફળોના રાજા ગણાતા કેસર કેરી પર જોવા મળી રહ્યો છે. જ્યારથી માવઠા શરૂ થયા, ત્યારથી તાલાલા માર્કેટ યાર્ડમાં દરરોજ કેસર કેરીના ઢગલે-ઢગલા ઠલવાઈ રહ્યા છે. બીજી તરફ કેરીની આવક વધે છે, તો સામે ભાવ પણ ધરખમ તૂટી રહ્યાં છે.

તાલાલા માર્કેટિંગ યાર્ડ બજાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે માર્કેટ યાર્ડમાં આજે 22,300 જેટલા કેસર કેરીના બોક્સની આવક થઈ હતી. જ્યારે ભાવની વાત કરવામાં આવે તો, 10 કિલો કેસર કેરીના બોક્સનો સૌથી નીચો ભાવ 425 અને ઊંચો ભાવ 925 બોલાયો હતો.

આજથી લગભગ પંદરેક દિવસ પહેલા 10 કિલો કેસર કેરીના એક બોક્સનો ભાવ 1000 થી 1500 રૂપિયા બોલાતો હતો. જો કે ભારે પવન સાથે પડી રહેલા કમોસમી વરસાદના કારણે અનેક ઠેકાણે કેરીઓ ઝાડ પરથી ખરી પડી છે. આ ઉપરાંત પાણી લાગવાના કારણે કેરી પર ડાઘા પડી ગયા છે. જેના પરિણામે કેરીનો સ્વાદ અને સોડમ પહેલા જેવા નથી રહ્યાં. જેથી ખેડૂતો જેમ બને તેમ જલ્દી કેરીના પાકનો નિકાલ કરવા માંગતા હોય, માર્કેટ યાર્ડ અધધ કેરીઓથી છલકાઈ રહ્યું છે. જો કે એક વાત નક્કી છે કે, આ વર્ષે કેસર કેરીની સિઝન લાંબી નહીં ચાલે.