Gujarat Rain: પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મોસમના બે મિજાજ જોવા મળી રહ્યાં છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તો છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડી રહ્યાં છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, નૈઋત્યનું ચોમાસું આંદામાન-નિકોબારના ટાપુ સુધી પહોંચી ચૂક્યું છે. જે આગામી દસેક દિવસમાં એટલે કે 27 મેની આસપાસ કેરળના દરિયા કાંઠે આવી પહોંચશે. મોટાભાગે કેરળના દરિયા કાંઠે 1 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, પરંતુ આ વખતે ચારેક દિવસ વહેલું ચોમાસું કેરળ પહોંચવાનું છે.
આવી જ રીતે ગુજરાતમાં મોટાભાગે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે, પરંતુ જો આજ ગતિએ ચોમાસું આગળ વધે, તો રાજ્યમાં પણ ચારેક દિવસ એટલે કે 10 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જશે.
અત્યારે દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ ખાસ દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, તાપી અને ડાંગ જેવા જિલ્લામાં વરસાદી ઝાપટા નોંધાયા છે. જે પૈકી સાંજે 6 થી 8 સુધીના 2 કલાકના સમયગાળામાં સૌથી વધુ 51 મિમી. (2 ઈંચ) વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં નોંધાયો છે. આ સિવાય તાપીના નિઝરમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટોછવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ, બોટાદ, અરવલ્લી, સાબરકાંઠા, ભાવનગર અને મહીસાગરમાં પણ વરસાદી ઝાપટા વરસી શકે છે.
