Rajkot: રાજકોટમાં બુટલેગરો બેખૌફ, દિવાળીના દિવસે જ ગોંડલ અને જસદણમાંથી રૂ. 48 લાખનો વિદેશી શરાબનો જથ્થો જપ્ત

જસદણ પાસેથી ગેસના સિલિન્ડરમાં દારૂનો જથ્થો છુપાવનાર રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ ઉર્ફે છ આંગળી દારૂનું કટીંગ કરે તે પૂર્વે જ એલસીબીની ટીમ ત્રાટકી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 31 Oct 2024 05:07 PM (IST)Updated: Thu, 31 Oct 2024 05:07 PM (IST)
rajkot-news-lcb-raid-2-places-and-seized-rs-48-lakh-liquor

Rajkot: દિવાળી પર પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે બુટલેગરોએ મોટાપાયે દારૂનો જથ્થો ઉતાર્યો હોય, ત્યારે રાજકોટ ગ્રામ્ય LCBની ટીમે જસદણ અને ગોંડલમાં બે સ્થળોએ દરોડા પાડી રૂ. 48 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બે દરોડામાં રૂા. 48 લાખની કિંમતની 6,688 બોટલ દારૂ તથા વાહનો મળી 68 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લાના ડીઆઈજી જયપાલસિંહ રાઠોડની સૂચનાથી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને તેમની ટીમે બે અલગ અલગ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં મોટા દળવા ગામની સીમમાં રાજકોટના નામચીન બુટલેગર અલ્તાફ હનીફ થઈમ ઉર્ફે અલ્તાફ છ આંગળી અને સોયેબ રઝાક ઓડિયાએ દારૂનો જથ્થો મંગાવી કટીંગ કરવાના હોય તે પૂર્વે જસદણ પાસે મોટા દળવા ગામની સીમમાં દરોડો પાડતા આઈસર નંબર જીજે 19 વાય 1013 અને બોલેરો પીકઅપ વાન જીજે 10 ટી 9822માં દારૂની 2460 બોટલ દારૂ મળી આવ્યો હતો.

એચ.પી. ગેસ લખેલા ગેસના મોટા સાત સિલીન્ડરમાં દારૂની ખેપ મારવામાં આવી હોય અને આ દારૂ રાજકોટમાં સપ્લાય કરવાનો હતો. તે પૂર્વે જ એલસીબીની ટીમે આ કિમીયાને નિષ્ફળ બનાવી દારૂ અને વાહન સહિત રૂા.22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અલ્તાફ એન તેના સાગરિતની શોધખોળ શરૂ કરી છે.

બીજા દરોડામાં ગોંડલના રાધે ઈન્ડસ્ટ્રીઝ ઝોનમાં એલસીબીની ટીમે દરોડો પાડી રૂા. 34.99 લાખની કિંમતની 6,228 બોટલ દારૂ તથા વાહન મળી રૂા. 46 લાખના મુદ્દામાલ સાથે મુળ ઓરિસાના વતની અને હાલ રાજકોટના ભાવનગર રોડ પર વિજયનગરમાં રહેતા શંબુનાથ બારિક દિનબંદુ બારિક અને પુલીન પત્રા અનંત પત્રાની ધરપકડ કરી હતી. આમ કુલ બે દરોડામાં પોલીસે 68 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.