Rajkot: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી લોકલાડીલા જનનેતા અને જનકલ્યાણને જીવનધર્મ માનનાર સ્વર્ગસ્થ વિજય રૂપાણીના અવસાનને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે તેમની પાવન સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે રચાયેલ ‘શ્રી વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન’ દ્વારા સમગ્ર વર્ષને ‘સેવા વર્ષ-2026’ તરીકે ઉજવવાનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો છે. સમાજના છેવાડાના માનવી સુધી સેવા, શિક્ષણ, આરોગ્ય અને વિકાસના લાભો પહોંચાડવાના ઉદ્દેશ સાથે વર્ષભર વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમો યોજાશે.
‘સેવા વર્ષ-2026’ અંતર્ગત રાજકોટના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે 13 જૂન, શનિવારે સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન વિશાળ કિડની અવેરનેસ સેમિનાર યોજાશે. આ સેમિનારમાં દેશના જાણીતા સર્જન અને કિડની આરોગ્ય ક્ષેત્રના અગ્રણી નિષ્ણાત ડો. પ્રાંજલ મોદી તથા રાજકોટના જાણીતા કિડની રોગ નિષ્ણાત ડો. સંજય પંડયા નાગરિકોને કિડની સ્વસ્થ રાખવાના ઉપાયો, ડાયાબિટીસ-બ્લડપ્રેશરની અસર, કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશન (અંગદાન) અંગે વિસ્તૃત માર્ગદર્શન આપશે.
આ અભિયાનના પ્રારંભરૂપે શ્રી વિજય રૂપાણી મેમોરિયલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી 14 જૂન, રવિવારે સવારે 9 થી 12 વાગ્યા દરમિયાન રૈયા રોડ સ્થિત ન્યૂ એરા સ્કૂલ (હનુમાન મઢી પાસે) ખાતે એક વિશાળ વિનામૂલ્યે સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મફત લેબોરેટરી તપાસ: કેમ્પમાં નિષ્ણાત તબીબો દ્વારા તપાસ ઉપરાંત ડોક્ટરની સલાહ મુજબ CBC, ESR, RBS, ક્રિએટિનિન અને કોલેસ્ટ્રોલ સહિતના ટેસ્ટ તેમજ જરૂરી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે.
