Rajkot: છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં વિવાદનું કેન્દ્ર બની ગયેલ ગોંડલનું રાજકારણ સતત ગરમાઈ રહ્યું છે. ગણેશ જાડેજાએ સુલતાનપુરની સભામાં ફેંકેલા પડકારને ઝીલીને આજે થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા અને પૂર્વ PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા અને જીગિશા પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ આજે ગોંડલની મુલાકાતે આવ્યા હતા. આ સમયે ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા અને સુત્રોચાર કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે જીગીશા પટેલની ગાંધીગીરી જોવા મળી હતી. જેમાં જીગીશા પટેલે પોતાનો વિરોધ કરી રહેલા ગણેશ જાડેજાના સમર્થકોનું હાર પહેરાવીને સન્માન કર્યું હતુ.
આ તકે જીગીશા પટેલે જણાવ્યું કે, ગોંડલ કોઈની જાગીર નથી. અમે માત્ર પ્રવાસી તરીકે જ અહીં આવ્યા છીએ, તેમાં અમારો વિરોધ શું કામ કરવામાં આવી રહ્યો છે. હજુ તો અમે વિનુ શિંગાળાની પ્રતિમા મૂકવાની વાત કરી, તેમાં આ લોકો આટલા બધી હલી ગયા છે.
હું પાટીદાર સમાજના મોભીઓને પણ આહ્વાન કરું છું કે, જ્યારે સમાજને જરૂર હોય, ત્યારે ઉભા રહે તેજ સાચા મોભી કહેવાય. તમારે પણ ગોંડલ આવવું જ જોઈએ. ગોંડલમાં કેટલા પાટીદાર આગેવાનોના ખૂન થઈ ગયા, જેના હત્યારા આજે પણ બિન્દાસ્ત બહાર ફરી રહ્યા છે. જેના માટે તમારે અવાજ ઉઠાવવો જ જોઈએ.
વધુમાં જીગીશા પટેલે ભાજપને પણ પ્રશ્ન પૂછ્યો છે કે, તમારે આવા હત્યારાઓની શું જરૂર છે. અત્યારની સરકારમાં ક્યારે આવેદન પત્ર આપીને કામ થઈ શકતા નથી. આથી જ સરકારને જગાવવા અવાજ ઉઠાવવો જ પડે છે. ગોંડલમાં પાટીદારો ભયભીત છે.
