Rajkot: રાજકોટ જિલ્લાની જસદણ નગર પાલિકામાં સફાઈ કામ કરતી એક મહિલા કર્મચારીએ સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ બારૈયા વિરુદ્ધ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે પીડિતાએ જસદણ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી દોઢેક વર્ષ પૂર્વે જસદણ નગર પાલિકાની નવી ઈમારતનું બાંધકામ ચાલતું હતુ. આથી મહિલા કર્મચારીને સફાઈ કામ માટે નવી બિલ્ડિંગમાં મોકલવામાં આવી હતી. આ દરમિયાન વિઝિટ માટે આવેલ સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશે મહિલાની એકલતાનો લાભ લઈ ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો.
આટલું જ નહીં, સુપરવાઈઝરે મહિલાને ધમકી આપી હતી કે, જો આ બાબતે કોઈને જાણ કરશે તો તેના પતિને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. સમાજમાં બદનામીની બીક અને બાળકોના ભવિષ્યને ધયાનમાં રાખીને પીડિતાએ આટલા દિવસ સુધી આ બાબતે કોઈને જાણ નહતી કરી.
હવસખોર સુપરવાઈઝર દ્વારા દુષ્કર્મ ગુજાર્યા બાદ પણ અવારનવાર મહિલાને ત્રાસ આપવામાં આવતો હતો. સુપરવાઈઝર વારંવાર ધમકી આપીને મહિલાને ફરીથી શરીરસબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. મહિલા આરોપીને તાબે ના થતાં તેને માનસિક હેરાન કરવામાં આવતી હતી.
આખરે મહિલાએ પોતાના પતિને સમગ્ર બાબતે જાણ કરી હતી. પતિએ હિંમત આપતા પત્નીએ જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુપરવાઈઝર પ્રકાશ ઉર્ફે કલ્પેશ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
