Surat: SOG પોલીસ દ્વારા શહેરના ઉમરા સિટી લાઈડ રોડ પર હુક્કાનું વેચાણ કરતી 3 દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 738 નંગ હુક્કા, હુક્કા પાઈપ સહિત 16.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હકીકતમાં સુરત પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઈન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત SOG પોલીસ દ્વારા ઉમરા સિટી લાઇટ રોડ ઉપર આવેલા મંગલમ શોપિંગ કોમ્પલેક્ષમાં આવેલા લીટલ ગોવા, દેવ ટ્રેડર્સ અને રોહન ટ્રેડર્સ નામની દુકાનોમાં રેડ મારવામાં આવી હતી.
આ દરોડા દરમિયાન પોલીસે દુકાનોમાંથી નશાકારક પદાર્થના સેવન માટે ઉપયોગમાં લેવાતા અલગ અલગ ટ્રેન્ડ મુજબની બનાવટના નાના-મોટા મોંઘા દાટ 738 નંગ હુક્કા તથા 625 નંગ હુક્કા પાઇપ મળી કુલ 16,98,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે
આ ઘટનામાં પોલીસ દ્વારા ત્રણ સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લીટલ ગોવાના સંચાલક ખુશાલસિંગ રણજીતસિંગ બિસ્ટ આ ઉપરાંત દેવ ટ્રેડર્સના સંચાલક વિકાસ પ્રવિણચંદ્ર મોદી અને રોહન ટ્રેડર્સના સંચાલક ધર્મેશ મધુસુદન ચાંદલેકર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વૃદ્ધ ભિક્ષુક મહિલા સાથે ગેરવર્તણૂંક કરનાર કર્મચારીને ફરજ મુક્ત કરાઈ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મહાદેવ સાઈનાથ પાવનધામ શનિદેવ મંદિરની બહાર ભિક્ષુકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી હતી. ભિક્ષુક ગૃહના કર્મચારીઓની એક ટીમ પોલીસ સાથે પહોચી હતી.
ભિક્ષુક ગૃહની ટીમમાં સામેલ એક મહિલા કર્મચારીએ સૌ પ્રથમ એક વૃદ્ધ મહિલાને નિર્દયતાથી પકડીને પોલીસ વાન તરફ ખેંચી હતી. આ કર્મચારીએ વૃદ્ધાને જોરથી હાથ મારીને તેને ધક્કો માર્યો હતો અને બળજબરીપૂર્વક વાનમાં બેસાડી દીધી હતી. આ દરમ્યાન ત્યાં બેસેલી અન્ય વૃદ્ધ મહિલા સાથે પણ અયોગ્ય વર્તન કર્યું હતું.
આ અંગે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રના ઇન્ચાર્જ ઓફિસર જીગ્નેશ ચૌધરીએ જણાવ્યું કે, ગઈ કાલે ભિક્ષુક સ્વીકાર કેન્દ્રની ટીમ અને રાંદેર પોલીસને સાથે રાખીને સુરતમાં જાહેર જગ્યાએ જે લોકો ભીખ માંગતા હોય તેમનું રેસ્ક્યુનું આયોજન કર્યું હતું. આ દરમ્યાન બપોરે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મારી પાસે આવ્યો હતો.
જેમાં છેલ્લા 4 વર્ષથી ગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારીએ એક વૃદ્ધ બાને માર મારવાનો વીડિયો મારા ધ્યાને આવ્યો હતો એટલે એ લોકો રેસ્ક્યુ કરીને આવ્યા ત્યારે તાત્કાલિક જ શો કોઝ નોટીસ આપીને ફરજ મુક્ત કર્યા છે. હું માનું છું કે આ અયોગ્ય વર્તન કર્મચારી દ્વારા કરવામાં આવ્યું છે, આ ધ્યાને આવતા તે કર્મચારીને નોકરી પરથી સસ્પેન્ડ કરી દીધા છે.
