Rajkot: જંગલેશ્વરમાં હિસ્ટ્રીશીટરોના આર્થિક સામ્રાજ્યનો પણ સફાયો, નદી કાંઠે ઉભી કરેલી 97 ઓરડી અને 8 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

ડિમોલિશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ દ્વારા કેટલાક શખ્સોની અટકાયત પણ કરી પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યાં હતાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 24 Feb 2026 08:07 PM (IST)Updated: Tue, 24 Feb 2026 08:07 PM (IST)
rajkot-news-jangleshwar-demolition-drive-continues-for-second-day-under-tight-security
HIGHLIGHTS
  • જંગલેશ્વરમાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન ડ્રાઈવ
  • પોલીસ કમિશનરે ડ્રોન દ્વારા ડિમોલિશન ડ્રાઈવનું નિરીક્ષણ કર્યું

Rajkot: રાજકોટના આજી નદીના કાંઠે આવેલ કુખ્યાત જંગલેશ્વરમાં સરકારી દબાણો ઉપર કોર્પોરેશને ફેરવેલા બુલડોઝરોના કારણે અનેક નામચીન ગુનેગારો- હિસ્ટ્રીસીટરોના આર્થિક સામ્રાજયનો પણ સફાયો થઇ ગયો છે.

ક્રાઇમ બ્રાંચના ડીસીપીએ જણાવ્યું હતું કે કુખ્યાત મહીલા ગુનેગાર રમા સંધી નદી કાંઠે 48 ઓરડી, 3 મકાન અને 300 મીટરના વરંડો ભાડે આપીને ધીકતી કમાણી કરતી હતી. આજ રીતે ગુજસીટોકના આરોપી સમીર ઉર્ફે મરઘાના 3 મકાન, સમીર ઉર્ફે સંજલો જુણેજાની 16 ઓરડી, જાવેદ જુસબની 8 ઓરડી, તોસીફ ઉર્ફે બાઘાની 8, આસીમ ઉમરેટીયાની 12, આસિફ ગંધારાનું મકાન, દિનેશ વાળાની ઓરડી, ઇમરાન ઉર્ફે ટિકડો અને તનવીર ઉર્ફે તનીયાના એક એક મકાન-દુકાન તોડી પાડવામાં આવ્યા છે.

જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા, ડીસીપી ઝોન-1 હેતલ પટેલ, ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈ સહીતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સતત બીજા દિવસે ફૂટ પેટ્રોલિંગ કરી અર્ધલશ્કરી દળોની સ્પેશીયલ ટાસ્ક ફોર્સને સાથે રાખી ફલેગમાર્ચ કરી સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.

ડીમોલેશન સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસ દ્વારા કેટલાક શખ્સોની અટકાયત પણ કરી પોલીસ મથકે બેસાડી દેવામાં આવ્યાં હતાં.પોલીસના અશ્વદળ દ્વારા પોલીસ વાહન ન પહોચી શકે તેવા વિસ્તારમાં અશ્વદળની ટીમે પેટ્રોલિંગ કર્યું હતું.

આજે બીજા દિવસે સવારથી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા વિનોદભાઈ શેઠ હોલ ખાતે ઉભા કરાયેલા કંટ્રોલરૂમ ખાતે ડીમોલીશન કામગીરીનું ડ્રોન દ્વારા નિરીક્ષણ કર્યું હતું. આજે બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

કયા કયા ગુનેગારોના મકાન-ઓરડી તૂટ્યા (Jangleshwar Demolition Drive)

  • સમીર ઉર્ફે મુરઘો પઠાણ : 14 ગુનાઓ - 3 ઓરડીઓ.
  • આશીફ ઉર્ફે ગંધારો સમા : 17 ગુનાઓ - 1 મકાન.
  • દિનેશ જીવાભાઈ વાળા : હિસ્ટ્રીશીટર - 1 ઓરડી.
  • રહેમત ઉર્ફે રમા જુણેજા : ગાંજા પેડલર (12 ગુના) - 3 મકાન, 48 ઓરડીઓ અને મોટો વંડી.
  • સમીર ઉર્ફે સંજલો જુણેજા : 12 ગુનાઓ - 16 ઓરડીઓ.
  • જાવેદ જુસબ જુણેજા : ગાંજા પેડલર - 8 ઓરડીઓ.
  • તોસીફ ઉર્ફે બાધો ઉંમરેટીયા: 14 ગુનાઓ - 1 મકાન. 8 ઓરડીઓ.
  • અસીમ હાજીભાઇ ઉમરેટીયા: બુટલેગર - 1 મકાન, 12 ઓરડીઓ.
  • ઇમરાન ઉર્ફે ટીકડો ઉમરેટીયા: 27 ગુનાઓ - 1 મકાન, 1 દુકાન.
  • તનવીર ઉર્ફે તનીયો શિશાંગિયા: 12 ગુનાઓ - 1 મકાન, 1 દુકાન.
  • વિનુ કમાભાઈ સિંઘવ : બુટલેગર - 1 ઓરડી, 1 દુકાન.