Rajkot: અલ્પેશ કથીરિયા સહિતના પાટીદાર અગ્રણીઓ અને ગોંડલના ગણેશ જાડેજા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ વાકયુદ્ધ દિન-પ્રતિદિન વકરી રહ્યું છે. ગણેશ જાડેજાના પડકારને ઝીલીને અલ્પેશ કથીરિયા સહિતનો કાફલો આજે ગોંડલની મુલાકાતે આવ્યો હતો. જ્યાં અલ્પેશ કથીરિયાના સમર્થકની કારે વિરોધ કરી રહેલા ટોળા પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે ઉશ્કેરાયેલા ટોળાએ અલ્પેશ કથીરિયાના કાફલા પર હુમલો કર્યો હતો. આ મામલે અલ્પેશ કથીરિયાનું નિવેદન સામે આવ્યું છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, લોકશાહીમાં વિરોધ થવો જ જોઈએ. જો કે હિંસક રીતે અમારી રેલીને રોકવાનું અમારા સમર્થકોને માર મારવામાં આવી રહ્યો છે. અમારી ગાડીઓ પર હુમલો કરવામાં આવ્યો. જેનાથી સાબિત થઈ ગયું છે કે, ગોંડલ ખરેખર મિરઝાપુર બની રહ્યું છે.
પોતાના ગોંડલ આવવા અંગે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે, ગણેશ જાડેજાએ પડકાર ફેંકતા કહ્યું હતું કે, માનું દૂધ પીધુ હોય, તો ગોંડલ આવીને બતાવો. આથી જ અમે ગોંડલ આવીને માના દૂધની સાબિતી આપી છે. જ્યારે પણ માના દૂધ પર સવાલ ઉઠશે અને અમારા સ્વાભિમાન પર આંગળી ઉઠશે, ત્યારે જવાબ આપવામાં આવશે.
બીજી તરફ ધાર્મિક માલવિયાએ જણાવ્યું કે, અમે છેક સુરતથી ગોંડલ આવ્યા છીએ. ગોંડલ અને રાજકોટ તેમજ આસપાસના જિલ્લાના લોકો પણ અમારા સ્વાગત માટે ઉપસ્થિત રહ્યાં છે. એનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, અહીં પ્રજાનો અવાજ રુંધાઈ રહ્યો છે. અમે એને ઉજાગર કરવા માટે જ આવ્યા છીએ. જ્યારે આ લોકો સંસ્કાર અને દૂધની વાત કરતા હોય, તો અમે અમારા સંસ્કાર છડે ચોક જાહેર કર્યાં છે.
બીજી તરફ ગણેશ જાડેજાએ જણાવ્યું કે, આ ગોકુળિયા ગોંડલની જનતાનો જવાબ છે. ગોંડલની માતા-બહેનોથી માંડીને વડીલો સૌ કોઈ વિરોધ પ્રદર્શન કરવા માટે રોડ પર ઉતર્યા છે.
