Rajkot: રાજકોટ ગ્રામ્યની ભાયાવદર પોલીસે સોની વેપારીઓને નિશાન બનાવતી એક રીઢા ગુનેગારોની આંતર જિલ્લા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઢાંક ગામે સોનાના દાગીના બદલાવી છેતરપિંડી આચરનાર ગેંગના પાંચ સભ્યોને પોલીસે રૂ. 5.01 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ઢાંક ગામે આવેલી 'વારાહી જવેલર્સ' નામની સોનીની દુકાનમાં ત્રણ મહિલાઓ અને એક સગીર કિશોરી ગ્રાહક બનીને આવ્યા હતા.
સોનાની વીંટીઓ ખરીદવાના બહાને વેપારી પાસે વીંટીઓ જોતા-જોતા નજર ચૂકવી અસલ સોનાની વીંટીઓ લઈ તેની જગ્યાએ નકલી ધાતુની વીંટીઓ મૂકી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ હતી.
વેપારીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ ગેંગે માત્ર ભાયાવદર જ નહીં, પરંતુ અગાઉ પોરબંદર, માંડલ, બાંટવા, મીઠાપુર, પ્રાચી અને તાલાળા જેવા શહેરોમાં પણ સોની વેપારીઓને આ જ પધ્ધતિથી છેતર્યા હોવાની કબૂલાત આપી છે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
