Vadodara: દીકરીઓના લગ્નની ચિંતામાં ડૂબેલા છોટા ઉદેપુરના એક ગરીબ ખેડૂતને રાજા-મહારાજાના સમયનું સોનું સસ્તા ભાવે આપવાની લાલચ આપી રૂ. 7 લાખની છેતરપિંડી આચરતી આંતરજિલ્લા ઠગ ટોળકીને વડોદરા ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કરજણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડી છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મહિલા સહિત બે આરોપીઓ હજુ ફરાર છે.
હોસ્પિટલ બહારથી શરૂ થઈ છેતરપિંડીની માયાજાળ
પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, છોટા ઉદેપુર તાલુકાના ખોડવાણિયા ગામના ખેડૂત ઇશ્વરભાઇ રાઠવાના માતા વાઘોડિયાની ધીરજ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ દરમિયાન હોસ્પિટલની બહાર ખેડૂતની મુલાકાત ઠગ ટોળકીના સાગરીતો સાથે થઈ હતી.
ઇશ્વરભાઇને ચાર દીકરીઓના આગામી લગ્નના ખર્ચની ચિંતા હતી. ગઠિયાઓએ આ લાચારીનો ગેરફાયદો ઉઠાવી, વિશ્વાસ જીતી લીધો હતો અને પોતાની પાસે રાજાશાહી વખતનું અસલી સોનું હોવાનું કહી સસ્તામાં આપવાની ઓફર કરી હતી.
અસલી મણકો બતાવી જમીન ગીરો મુકાવી
ખેડૂતનો વિશ્વાસ દ્રઢ કરવા માટે ઠગ ટોળકીએ ડભોઇ-શિનોર ચોકડી પાસે સોનાના બે હાર બતાવ્યા હતા અને તેમાંથી એક મણકો તોડીને આપ્યો હતો. સ્થાનિક સોની પાસે તપાસ કરાવતા તે અસલી નીકળ્યો હતો. આ ચાલબાજીમાં ફસાયેલા ખેડૂતે દીકરીઓના ભવિષ્ય માટે પોતાની જમીન ગીરો મૂકી તેમજ સગાં-વહાલાં પાસેથી ઉછીના નાણાં લાવી રૂ.7 લાખની વ્યવસ્થા કરી હતી.
કરજણ બ્રિજ નીચે નકલી સોનું પધરાવી ટોળકી રફુચક્કર
સોદો નક્કી થયા બાદ ઠગ ટોળકીએ ખેડૂતને કરજણ નેશનલ હાઈવે-48 પર બ્રિજ નીચે બોલાવ્યો હતો. ત્યાં સીસીટીવી કેમેરા હોવાનું બહાનું બતાવી ગાડી નીચે લેવડાવી હતી અને રૂ. 7 લાખ રોકડા લઈ બદલામાં સોના જેવા દેખાતા દાગીનાની થેલી પધરાવી દીધી હતી. ઠગોના ગયા બાદ ખેડૂતે ઘરે જઇને તપાસ કરાવતા આખું સોનું તદ્દન નકલી હોવાનું બહાર આવ્યું હતું.
SOGની કાર્યવાહી: 3 આરોપીઓની ધરપકડ, મુદ્દામાલ જપ્ત
છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે કરજણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વડોદરા ગ્રામ્ય SOG એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી ત્રણ આરોપીઓ વિજય ભગવાનભાઇ બારોટ, ડાહ્યાભાઈ ઉર્ફે રામ ગંગારામ મારવાડી અને મનોજ મારવાડીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ. 2.70 લાખ રોકડા અને 5 મોબાઇલ સહિત કુલ રૂ. 3.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
જ્યારે મુખ્ય આરોપી મીરાબેન સોલંકી હજુ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે નાગરિકોને આવી કોઈ પણ પ્રકારની સસ્તા સોનાની લાલચમાં ન આવવા અપીલ કરી છે.
