Rajkot: પડધરીમાં માવતરે રહેતી પરિણીતાએ પોતાના પતિ સહિતના 3 સામે ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં પારકી સ્ત્રીના પ્રેમમાં પાગલ પતિએ દીકરી સાથે પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. આટલું જ નહીં, તેણે પત્નીને સળગાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ અંગે પડધરીમાં પોતાના પિયરમાં રહેતી રિદ્ધિ (30) નામની પરિણીતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, આજથી 7 વર્ષ અગાઉ તેઓના લગ્ન રાજકોટમાં રહેતા મેહુલ ડવ સાથે થયા હતા. આજથી 6 માસ પહેલા પીડિતાનો પતિ પોતાના મિત્રો સાથે મલેશિયા ગયો હતો. જ્યાંથી પરત ફર્યા બાદ પતિના વર્તનમાં પરિવર્તન આવ્યું હતુ.
આથી પીડિતાને શંકા જતાં તેણીએ પતિનો મોબાઈલ ચેક કરતાં તેમાં પોતાના પતિના અન્ય મહિલા સાથેના ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. આ બાબતે ફરિયાદીએ પતિને પૂછતાં તેણે કહ્યું હતું કે, આ મારી લવર છે. આ બાબતે કોઈને વાત કરીશ તો તને સળગાવીને જાનથી મારી નાંખીશ. જે બાદ પતિ વારંવાર પીડિતાને કાઢી મૂકી પ્રેમિકાને લાવવાની વાત કરીને મારઝૂડ કરતા હતા.
આ બાબતે પીડિતાએ પોતાના કાકા સસરા અને તેમના પુત્રને ફરિયાદ કરતાં તેઓ પણ પતિનું ઉપરાણું લઈને ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપતા હતા. જે બાદ પતિ ઉપરાંત કાકા સસરા અને તેમના પુત્રએ ઝઘડો કરીને મને મારી દીકરી સાથે ઘરમાંથી તગેડી મૂકી હતી.
થોડા દિવસ અગાઉ પીડિતાને જાણ થઈ કે, તેનો પતિ લવરને લઈને ગોવા ગયો છે. આથી ફરિયાદીના ભાઈઓએ ગોવા જઈને બનેવીને તેની પ્રેમિકા સાથે પકડી પાડ્યા હતા. જે બાદ પતિ છૂટાછેડા આપવા દબાણ કરતાં અને ના આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આખરે આ મામલે પીડિતાએ પોતાના પતિ ઉપરાંત કાકાજી સસરા અને તેમના પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
